Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમ જૂન-2026માં 2 T20 મેચ માટે આયર્લેન્ડનો પ્રવાસ કરશે

Social Share

નવી દિલ્હી, 21 માર્ચ 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ શનિવારે(21 માર્ચ, 2026) સવારે ટીમ ઈન્ડિયાના આયર્લેન્ડ પ્રવાસનું શિડ્યુલ જાહેર કર્યું છે. જેમાં ભારતીય ટીમ જૂન-2026માં 2 T20 મેચો માટે આયર્લેન્ડનો પ્રવાસ કરશે. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યુલ મુજબ, ભારતીય ટીમ 26 જૂન અને 28 જૂને પ્રથમ અને બીજી T20 મેચ રમશે. આ બંને મેચ બેલફાસ્ટમાં રમાશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમનો આયર્લેન્ડનો આ ચોથો પ્રવાસ હશે. ટીમ ઈન્ડિયા અગાઉ 2018, 2022 અને 2023માં પણ આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી. નોંધનીય છે કે, ભારતીય ટીમ 2007 પછી પહેલીવાર બેલફાસ્ટમાં રમશે. આયર્લેન્ડની ક્રિકેટ ટીમ અને ત્યાંના ક્રિકેટ ચાહકો હંમેશા ભારતીય ટીમના પ્રવાસની રાહ જોતા હોય છે. ભારતીય ટીમને લઈને ત્યાંના ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે.

BCCI સામાન્ય રીતે આયર્લેન્ડ પ્રવાસ પર યુવા ખેલાડીઓની ટીમ મોકલતું રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી પ્રવાસ પર સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી વાળી એ ટીમ આયર્લેન્ડ જાય છે જેણે વર્લ્ડ કપ જીત્યો હતો, અથવા અન્ય કોઈ ખેલાડીની કેપ્ટન્સીમાં યુવા ટીમ મોકલવામાં આવે છે.

T20માં આયર્લેન્ડ સામે ભારતનો જીતનો રેકોર્ડ 100 ટકા રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 8 મેચ રમાઈ છે અને તમામ મેચોમાં ટીમ ઈન્ડિયા વિજયી રહી છે. આયર્લેન્ડે પણ વર્ષ 2026 માટે પોતાના શિડ્યુલની જાહેરાત કરી છે. ભારત સામેની સિરીઝ પહેલા આયર્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન સામે T20 ત્રિકોણીય સિરીઝ (28 મે થી 4 જૂન) રમશે. આ ઉપરાંત, આયર્લેન્ડ અફઘાનિસ્તાન સામે 5 વનડે મેચોની સિરીઝ પણ રમવાનું છે, જે 5 થી 14 ઓગસ્ટ વચ્ચે યોજાશે.

અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને મહિલા ક્રિકેટ ટીમના અધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવનાર આયર્લેન્ડનો અફઘાનિસ્તાન ટીમ સાથે વનડે સિરીઝ રમવાનો નિર્ણય ચોંકાવનારો છે. બોર્ડના મુખ્ય કાર્યકારી સારા કીને જણાવ્યું હતું કે, “આ નિર્ણય આર્થિક કારણોસર કે કોઈ કાનૂની મજબૂરીમાં લેવામાં આવ્યો નથી, પરંતુ સંસ્થાના વ્યાપક હિતમાં લેવામાં આવ્યો છે.”

વધુ વાંચો: રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી

Exit mobile version