આગ્રા, 20 જૂન 2026: વિશ્વપ્રસિદ્ધ પોપ સ્ટાર માઇકલ જેક્સનના ચાહકો દુનિયાના ખૂણે-ખૂણે મોજૂદ છે અને ભારતમાં પણ આ દિવંગત સિંગર-ડાન્સરને અપાર પ્રેમ મળ્યો છે. તાજેતરમાં જ ભારતના એક ટેલેન્ટેડ ડાન્સરે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ ફેમ ભારતીય ડાન્સર અક્ષય પાલે દુનિયાની સાત અજાયબીઓમાંથી એક એવા તાજમહેલની સામે માઇકલ જેક્સનની સિગ્નેચર સ્ટાઇલમાં શાનદાર ડાન્સ કર્યો હતો. જેક્સનના સુપરહિટ ગીત ‘બીટ ઇટ’ પર અક્ષયે કરેલા આ ડાન્સની નોંધ ખુદ માઇકલ જેક્સનની ઓફિશિયલ ટીમે લીધી છે.
અક્ષય પાલે આ ડાન્સ વીડિયો ગત 20 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પરંતુ, આશ્ચર્યનો આંચકો અને ખુશી ત્યારે મળી જ્યારે શુક્રવારે મોડી રાત્રે (19 જૂને) માઇકલ જેક્સનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ વીડિયોને રી-પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું કે, “દુનિયામાં ગમે ત્યાં જાઓ, તમને કોઈને કોઈ એવી વ્યક્તિ ચોક્કસ મળી જશે જે માઇકલ જેક્સનના સંગીતનો આનંદ માણી રહી હોય. અક્ષય પાલે તાજેતરમાં જ ભારતમાં તાજમહેલની સામે ‘બીટ ઇટ’ ગીત પર પોતાના ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો છે. માઇકલ જેક્સનનું સંગીત તમને ક્યાં પ્રેરિત કરે છે? સોશિયલ મીડિયા પર માઇકલ જેક્સનના મ્યુઝિક સાથે તમારી મનપસંદ જગ્યાનો વીડિયો પોસ્ટ કરો.”
જ્યારે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ રિયાલિટી શો ફેમ અક્ષય પાલને ખબર પડી કે તેનો વીડિયો કરોડો ફોલોઅર્સ ધરાવતા માઇકલ જેક્સનના ઓફિશિયલ પેજ પર શેર થયો છે, ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આ અદભુત અચીવમેન્ટ પર પ્રતિક્રિયા આપતા અક્ષયે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, આ બાબતે મારો દિવસ બનાવી દીધો. આ ખરેખર અણધાર્યું હતું. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ અક્ષયની આ સિદ્ધિને બિરદાવી રહ્યા છે.
તાજેતરમાં જ રિલીઝ થઈ હતી માઇકલ જેક્સનની બાયોપિક ‘Michael’
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સિનેમાઘરોમાં માઇકલ જેક્સનની સત્તાવાર બાયોપિક ફિલ્મ ‘માઇકલ’ રિલીઝ થઈ હતી, જેને ભારતીય થિયેટરોમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રખ્યાત ડાયરેક્ટર એન્ટોની ફુક્વાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં માઇકલ જેક્સનના બાળપણના સંઘર્ષથી લઈને ગ્લોબલ સુપરસ્ટાર બનવા સુધીની સફર અને તેમના જીવનના ઉતાર-ચઢાવને ખૂબ જ નજીકથી દર્શાવવામાં આવ્યા છે. સિનેમાઘરોમાં ફિલ્મની સફળતા વચ્ચે ભારતીય ડાન્સરનો આ વીડિયો વૈશ્વિક સ્તરે વાયરલ થવો તે ગર્વની વાત છે.

