Site icon Revoi.in

ભારતીય રેલવે: આગામી 3 વર્ષમાં દેશમાં 124 હાઈટેક કાર્ગો ટર્મિનલ બનશે

Social Share

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના કાયાકલ્પ માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો છે. નવી દિલ્હીમાં ‘રેલવે રિફોર્મ 2026’વિષય પર આયોજિત પરિષદને સંબોધતા તેમણે જાહેરાત કરી હતી કે, રેલવે આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં 124 મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલ (GCT)વિકસાવશે. આ પગલાથી માલસામાનની હેરફેર ઝડપી બનશે અને રેલવેની આવકમાં મોટો વધારો થશે.

રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર માટે મુસાફરોનો મુસાફરીનો અનુભવ શ્રેષ્ઠ બનાવવો એ પ્રાથમિકતા છે. ખાસ કરીને ટ્રેનો અને સ્ટેશનો પરની સફાઈ વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવશે. સફાઈ અને સ્વચ્છતા માટે હવે ‘સિદ્ધ ટ્રેક રેકોર્ડ’ ધરાવતી અગ્રણી અને નિષ્ણાત સેવા પ્રદાતા કંપનીઓની નિમણૂક કરવામાં આવશે. સફાઈની ગુણવત્તા પર સતત નજર રાખવા માટે આધુનિક સિસ્ટમનો ઉપયોગ થશે.

વર્ષ 2026 માટે રેલવે મંત્રીએ ‘52 રીફોર્મ્સ ઇન 52 વીક્સ’(52 અઠવાડિયામાં 52 સુધારા) ની નીતિ પર ભાર મૂક્યો છે. આ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેકનોલોજી દ્વારા રેલવે સુરક્ષા અને વ્યવસ્થાપનને મજબૂત કરાશે. ગતિ શક્તિ પોર્ટલ હેઠળ 124 નવા ટર્મિનલ ઊભા કરવામાં આવશે, જેમાંથી ઘણા પહેલેથી જ કાર્યરત થઈ ચૂક્યા છે. ટ્રેન દુર્ઘટનાઓમાં 90% નો ઘટાડો થયો છે અને હવે તેને સિંગલ ડિજિટમાં લાવવાનું લક્ષ્ય છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, “ભારતીય રેલવે માત્ર પરિવહનનું સાધન નથી, પણ દેશના વિકાસની લાઈફલાઈન છે. અમે મુસાફરોને પાયાની સુવિધાઓની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્વચ્છતા આપવા માટે કટિબદ્ધ છીએ.”

Exit mobile version