Site icon Revoi.in

ભારતીય સુરક્ષા જવાનોને અનિતા નામની મહિલાથી સાવચેત રહેવા કરાઈ તાકીદ

Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ તંગ છે. દરમિયાન પાકિસ્તાન ભારતીય સુરક્ષા એજન્સીઓની માહિતી એકત્ર કરવા માટે વિવિધ રસ્તા અપનાવી રહ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી મહિલાઓનો ઉપયોગ કરીને ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવીને ગુપ્ત માહિતી એકત્ર કરી રહી છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓએ તમામ સુરક્ષા જવાનોને અનિતા નામની મહિલાથી સાવચેત રહેવા તાકીદ કરી છે.

ભારતીય સેના, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓને પાકિસ્તાનની ‘અનીતા’થી દૂર રહેવા માટે તાકીદ કરાઈ છે. આ  અનિતાએ સેના અને અર્ધલશ્કરી દળોના જવાનોને ફસાવવા માટે નેટવર્કની જાળ બિછાવી છે. એટલું જ નહીં આ અનિતાએ અનેક ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવ્યાનું જાણવા મળે છે. ‘અનીતા’ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અનિતાએ પોતાના એકાઉન્ટ પર પોતાનું નામ, ઘરનું સરનામું અને ફોન નંબર આપ્યો છે. આ જોઈને કોઈપણ વ્યક્તિ સમજી જાય છે કે તે ભારતીય મહિલા છે. તે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સાથે સંબંધિત છે. નંબર પણ સ્થાનિક છે. અહીંથી જ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ‘ISI’ની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ અનિતાની રમત શરૂ થાય છે. તેનો હેતુ સૈન્ય અને કેન્દ્રીય સુરક્ષા દળો પાસેથી ગુપ્ત માહિતી એકત્ર કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ‘ISI’ના ઈન્ટેલિજન્સ ઓપરેટિવએ તેનું ઉપનામ ‘અનીતા અનિતા’ રાખ્યું છે. આ મહિલા ફેસબુક પર ઘણી એક્ટિવ રહે છે. તેણે પોતાની જાતને મિલિટરી હોસ્પિટલમાં નર્સ તરીકે ગણાવી છે. અનિતાના ફેસબુક એકાઉન્ટમાં તેના વતન શ્રીગંગાનગર, રાજસ્થાન દર્શાવ્યું છે. તેણે પિતાના નામની જગ્યાએ સંતોષ દાસ લખ્યું છે. તેણે સરનામા તરીકે દક્ષિણી દમ દમને ‘પશ્ચિમ બંગાળ’ લખ્યું છે. તેણે 12 માર્ચ 2021ના રોજ સોશિયલ મીડિયા પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. અનિતાએ પોતાના અશ્લીલ ફોટા ફેસબુક પર મુક્યા છે. ઘણા કર્મચારીઓ તેની જાળમાં આવી ગયા છે.

સુરક્ષા એજન્સીઓને તેની સક્રિયતાનો અહેસાસ થયો છે. તેનું રજિસ્ટર્ડ આઈપી એડ્રેસ લાહોર ‘પાકિસ્તાન’નું હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લી વાર તેનું એકાઉન્ટ લોગ ઇન થયું ત્યારે તેનું IP એડ્રેસ બહાવલપુર (પાકિસ્તાનના પંજાબ પ્રાંતના જિલ્લો)નું હતું. ફેસબુક પર રજિસ્ટર્ડ ઈમેલ પર યસજાન અને કેટલાક નંબર લખેલા હતા. આ ફેક એકાઉન્ટ અંગે સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. અનિતાનો ઉદ્દેશ્ય ભારતીય સૈન્ય સંસ્થાઓ અને સુરક્ષા દળો સાથે સંબંધિત ગોપનીય માહિતી મેળવવાનો છે. સરહદી રાજ્ય રાજસ્થાનમાં અત્યાર સુધીમાં હનીટ્રેપના ત્રણ ડઝન જેટલા કેસ નોંધાયા છે. આવા આરોપીઓમાં ડઝનબંધ સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ભારતની સૈન્ય માહિતી મેળવવા માટે છોકરીઓનો ઉપયોગ કરે છે. આ મહિલાઓ પોતાના અશ્લીલ ફોટા અને વીડિયો બતાવીને ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. ચાર વર્ષ પહેલા ઘણા ભારતીય સૈન્ય અધિકારીઓ આવી મહિલાઓની જાળમાં ફસાઈ ગયા હતા.