નવી દિલ્હી: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત વિરોધી નિવેદનબાજી અને વધતી જતી અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. ભારતના પૂર્વોત્તર રાજ્યો (7-સિસ્ટર્સ) ને અલગ કરવાની ધમકી અને ભારત વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનોને પગલે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ. રિયાઝ હામિદુલ્લાહને તેડું મોકલીને સખત વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ ભારતે ઢાકા સ્થિત ભારતીય મિશનમાં વિઝા કામગીરી બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.
બાંગ્લાદેશની નવનિર્મિત ‘નેશનલ સિટિઝન પાર્ટી’ (NCP) ના નેતા હસનત અબ્દુલ્લાએ તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે જો નવી દિલ્હી બાંગ્લાદેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે, તો ઢાકાએ ભારતના પૂર્વોત્તર રાજ્યોને અલગ કરી દેવા જોઈએ અને ત્યાંના અલગતાવાદી તત્વોને સમર્થન આપવું જોઈએ. આ ઉશ્કેરણીજનક નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના અધિકારીઓ સાથેની મુલાકાતમાં સ્પષ્ટ કર્યું કે ભારત વિરોધી આવી કોઈપણ હિલચાલ સાંખી લેવામાં આવશે નહીં.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સુરક્ષાની સ્થિતિ સતત વણસી રહી છે અને ભારતીય દૂતાવાસની સુરક્ષા જોખમમાં છે. મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, “બાંગ્લાદેશના ઉગ્રવાદી તત્વો દ્વારા ભારત વિરુદ્ધ જૂઠ્ઠા નેરેટિવ અને ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેને ભારત સંપૂર્ણપણે ફગાવી દે છે. એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે આવી ઘટનાઓની યોગ્ય તપાસ કરી નથી કે ભારત સાથે કોઈ પુરાવા શેર કર્યા નથી.”
તણાવપૂર્ણ માહોલ અને સુરક્ષાના કારણોસર ઢાકામાં ભારતીય નાગરિકો અને ઓફિસ માટે વિઝા સેન્ટરની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સુરક્ષિત વાતાવરણ નહીં બને અને ઉશ્કેરણીજનક નિવેદનો પર લગામ નહીં કસાય, ત્યાં સુધી સ્થિતિ સામાન્ય થવી મુશ્કેલ છે.

