Site icon Revoi.in

પશ્ચિમ એશિયામાં તણાવ છતાં ભારતમાં ઈંધણ અને ઊર્જા પુરવઠો સુરક્ષિત: અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ

Social Share

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી અસ્થિર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે ભારત સરકાર હાઈ એલર્ટ પર છે. આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય મીડિયા બ્રીફિંગમાં પેટ્રોલિયમ, શિપિંગ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ દેશની ઊર્જા સુરક્ષા અને વિદેશમાં વસતા ભારતીયોની સલામતી અંગે મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાટમાં આવીને ખરીદી કરવાની જરૂર નથી.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારો થયો હોય, પરંતુ ભારતમાં તેની અસર નહિવત રાખવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં લિટર દીઠ રૂ. 10નો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલું એલપીજી, પીએનજી અને સીએનજીનો પુરવઠો 100 ટકા જાળવી રાખવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં એલપીજી બુકિંગનો અંતરાલ 21 થી વધારીને 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ કરવામાં આવ્યો છે જેથી વ્યવસ્થાપન જળવાઈ રહે. તેમજ ગઈકાલે દેશમાં 98 ટકા એલપીજી બુકિંગ ઓનલાઇન નોંધાયું છે, જે પારદર્શિતા સૂચવે છે. એટલું જ નહીં ગુનાખોરી અટકાવવા માટે દેશભરમાં 2300 થી વધુ દરોડા પાડી 70 થી વધુ ડિસ્ટ્રિબ્યુટરશિપ સસ્પેન્ડ કરવામાં આવી છે.

શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પર્શિયન ગલ્ફમાં ભારતીય જહાજો અને નાવિકો સુરક્ષિત છે. ડીજી શિપિંગ કંટ્રોલ રૂમ 24×7 કાર્યરત છે, જેણે અત્યાર સુધીમાં 7,500થી વધુ કોલ્સ હેન્ડલ કર્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 2,729 થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે. તેમજ ભારતના તમામ બંદરો પર કામગીરી સામાન્ય છે અને માલસામાનની હેરફેરમાં કોઈ અવરોધ નથી.

વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એરસ્પેસ અને ફ્લાઇટ્સની સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, UAE અને સાઉદીથી ભારત માટે નિયમિત અને મર્યાદિત ફ્લાઇટ્સ ચાલુ છે. તેમજ નાગરિકોને ઈરાનનો પ્રવાસ ટાળવા સલાહ અપાઈ છે. આર્મેનિયા અને અઝરબૈજાનના માર્ગે 2,432 ભારતીયોને રેસ્ક્યુ કરાયા છે. બીજી તરફ ઈઝરાયેલ અને કુવૈતના એરસ્પેસ ખુલ્લા છે અને મર્યાદિત કામગીરી શરૂ થઈ છે. તેમજ તમામ ભારતીય દૂતાવાસો ચોવીસે કલાક કાર્યરત છે.

આ પણ વાંચોઃ અમેરિકા એચ-1બી વિઝા આપવાનું 3 વર્ષ માટે બંધ કરશે, બિલ રજૂ કરાયું

Exit mobile version