Site icon Revoi.in

ચેસમાં ભારતની આર. વૈશાલીએ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતી રચ્યો ઈતિહાસ

Social Share

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ભારતની 24 વર્ષીય ગ્રાન્ડ માસ્ટર આર. વૈશાલીએ સાયપ્રસમાં રમાયેલી ફિડે (FIDE) મહિલા કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં શાનદાર જીત મેળવીને નવો ઈતિહાસ લખ્યો છે. આ જીત સાથે વૈશાલીએ આ વર્ષે યોજાનારી મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

વૈશાલી વિશ્વ ખિતાબ (World Title) માટે પડકાર ફેંકનારી ભારતની બીજી મહિલા ખેલાડી બની ગઈ છે. અગાઉ ૨૦૧૧માં દિગ્ગજ ખેલાડી કોનેરુ હમ્પીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. હવે વૈશાલીનો સામનો વર્લ્ડ ટાઈટલ માટે વર્તમાન વિશ્વ ચેમ્પિયન ચીનની જુ વેનજુન સામે થશે.

ટુર્નામેન્ટના અંતિમ અને નિર્ણાયક રાઉન્ડમાં રોમાંચક સ્થિતિ સર્જાઈ હતી. ભારતની જ દિવ્યા દેશમુખે મજબૂત સ્પર્ધક બીબીસારા અસાઉબાયેવાને ડ્રો પર રોકી રાખી હતી. આનાથી વૈશાલી માટે ટાઈટલ જીતવાનો રસ્તો સાવ સરળ થઈ ગયો હતો. વૈશાલીએ સફેદ મહોરાંથી રમતા પોતાની કુશળતા બતાવી અને રશિયન મૂળની કેટરીના લાગનોને હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે આર. વૈશાલી અને તેનો નાનો ભાઈ આર. પ્રજ્ઞાનાનંદા વિશ્વની એવી પ્રથમ ભાઈ-બહેનની જોડી છે જેઓ બંને ગ્રાન્ડ માસ્ટર છે અને બંનેએ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.

વધુ વાંચો: વાણિજ્ય મંત્રાલયે નવી સંકલિત વેબસાઇટ શરૂ કરી

Exit mobile version