Site icon Revoi.in

યુનિવર્સિટીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પ્રાધ્યપકોની ભરતીથી શિક્ષિત બેરોજગારોને થતો અન્યાયઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદ  : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની ચાર જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ કરાર આધારિત 11 માસના કોન્ટ્રાક્ટ પ્રથાથી ભરવાની તજવીજ સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. સરકારી હસ્તકની યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં 50 ટકાથી વધારે જગ્યાઓ 15 વર્ષથી ખાલી પડી છે, ત્યારે કાયમી ભરતી કરવાના બદલે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પધ્ધતિથી લાગતા વળગતાઓને ગોઠવવાની કવાયત શરુ કરતાં ખરેખર મેરિટમાં આવતાં હજારો શિક્ષિત બેરોજગારોને ભારે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું.

રાજ્યની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટીમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ 11 માસની કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ભરવામાં આવી રહી છે. આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ એવા આક્ષેપ કર્યા છે કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ભરતી કરવાની હતી ત્યારે વોટ્સએપ કૌભાંડ બહાર આવતાં ભરતી અટકાવવી પડી હતી. આમ છતાં હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસી. પ્રોફેસરની 64 જગ્યાએ માટે, વીર નર્મદ યુનિવર્સિટીમાં 57થી વધુ વિષયોમાં 300 જગ્યા અને આંબેડકરમાં 27 વિષયોમાં 43 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે. આજ રીતે ટીચર્સ યુનિવર્સિટીની 36 જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી છે. 11 માસના કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ભરવામાં આવનારી આ જગ્યાઓમાં ઇડબલ્યુએસ, એસસી, એસટી, બક્ષીપંચ જેવી કોઇ વ્યવસ્થા રાખવામાં આવી નથી જે સંપૂર્ણ ગેરકાયદે છે.

આમ, બંધારણમાં કરાયેલી જોગવાઈઓનો જ આ ભરતી પ્રક્રિયામાં છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ પ્રથા, ફિક્સ પગાર, સહાયક જેવા નુસ્ખાઓ અમલમાં આવતા છેલ્લા અઢી દાયકામાં શૈક્ષણિક લાયકાત ધરાવતી આખી પેઢી બેરોજગારીની ગર્તામાં ધકેલાઇ ગઇ છે. આશ્ર્ચર્યની વાત એ કે આ તમામ જગ્યાઓ પર પણ મેરિટમાં આવતાં ઉમેદવારોને સ્થાન આપવાના બદલે લાગતા-વળગતાઓને ગોઠવવાનો ખેલ સરકાર અને તેના મળતિયાઓ દ્વારા કરવામાં આવશે તેવા આક્ષેપો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યાં છે.