Site icon Revoi.in

રાજકોટના તમામ હેલ્થ સેન્ટરોમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના

Social Share

અમદાવાદઃ રાજકોટમાં કોરોનાના કેસ વધતા શહેર અને જિલ્લાના તમામ હેલ્થ સેન્ટરોમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ધન્વંતરી રથ દોડતા કરવામાં આવ્યાં છે. લોકોને કોરોના રસીકરણ કરાવવા માટે સમજુતિ કરવા ખાસ ટીમોને ઉતારવામાં આવશે.

રાજકોટમાં કોરોના સંક્રમણ કાબૂમાં લેવા માટે તાજેતરમાં મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે રાજકોટના કલેકટર સાથે ચર્ચા કરી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા પ્લાનિંગ ઘડી કાઢવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં ટેસ્ટિંગ વધારવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં હાલમાં 51 ધન્વંતરી રથો દ્વારા તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર તપાસ શરુ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાની તમામ વ્યક્તિઓની ત્રણ-ત્રણ વખત આરોગ્ય તપાસ કરી કરાઈ છે.

રાજકોટ શહેર અને જિલ્લાના તમામ હેલ્થ સેન્ટરોમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફને પણ સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપવામાં આવી છે. હેલ્થ સેન્ટરોમાં ઓપીડી દરમિયાન કોરોનાના લક્ષણો જણાય તેવી વ્યક્તિઓને તુરંત જ સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ભરતી કરી દેવાની સુચના આપી દેવામાં આવી છે. હાલમાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં 550 કોરોના બેડ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. શહેરની 26 જેટલી ખાનગી હોસ્પિટલોમાં પણ 1 હજારથી વધારે કોરોના બેડ ઉપલબ્ધ હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું છે.

Exit mobile version