Site icon Revoi.in

વિમાન દુર્ઘટનામાં અંતરિક્ષ યાત્રી અને ઉદ્યોગપતિ ગ્લેન ડિ વ્રાઇજનું મોત

Social Share

નવી દિલ્હી: અંતરિક્ષની યાત્રા કરનારા એક બિઝનેસમેન અને અંતરિક્ષ યાત્રી ડી વ્રાઇજનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાને કારણે મોત નિપજ્યું છે. અમેરિકાના ઉત્તરી ન્યૂજર્સીના એક જંગલ વિસ્તારમાં ઉડાન દરમિયાન એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 49 વર્ષીય ગ્લેન ડી વ્રાઇજનું મોત થયું હતું. તે ઉપરાંત હોપાટકાંગના રહેવાસી 54 વર્ષીય થોમસ પી ફિશરનું પણ મૃત્યુ થયું છે.

ડી વ્રાઇજ એક ખાનગી પાયલોટ હતા અને ફિશર વિમાન પ્રશિક્ષણ શાળાના માલિક હતા. જો કે અધિકારીઓએ આ વિમાન કોણ ઉડાવી રહ્યું હતું તેની કોણ જાણકારી પૂરી પાડી નથી. ડી વ્રાઇજે બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ અંતરિક્ષ યાનમાં 90 વર્ષીય કેનેડિયન અભિનેતા શૈટનર અને અન્ય 2 લોકો સાથે ઉડાન ભરી હતી.

બ્લૂ ઓરિજિને જ્યારે અંતરીક્ષ યાત્રા માટે ડી વ્રાઈજની પસંદગી કરી ત્યારે તેમની પ્રોફાઈલની જાણકારી પણ આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ડી વ્રાઈજે 1999ના વર્ષમાં મેડિડાટા સોલ્યુશન્સ કંપનીની સ્થાપના કરેલી જે વિશ્વનું સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ક્લિનિકલ રિસર્ચ પ્લેટફોર્મ ગણાય છે.

નોંધનીય છે કે, તેઓ ફ્રાંસીસી સોફ્ટવેર કંપની ડસોલ્ટ સિસ્ટમ્સમાં લાઈફ સાયન્સીઝ એન્ડ હેલ્થકેરના ઉપાધ્યક્ષ હતા જેણે 2019માં મેડિડાટાનું અધિગ્રહણ કર્યું હતું. તેમણે પિટ્સબર્ગ ખાતે કાર્નેગી મેલન વિશ્વવિદ્યાલયના ટ્રસ્ટી તરીકે પણ કામ કરેલું છે.