Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયા-અમેરિકાની સબમરીન ડીલ ભારત તરફ શું ઇશારો કરે છે?

Social Share

નવી દિલ્હી: અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સબમરીન સોદો થયો છે જેને લઇને સમગ્ર વિશ્વ અચંબિત છે. આ ડીલથી ચીન ઉપરાંત ઘણા યુરોપિયન દેશો પણ ચોંકી ગયા છે અને તેના વિરોધમાં ઊભા થઇ ગયા છે. ફ્રાંસે તો આ સોદાને પીઠમાં ચાકૂ ઘોંપવા સમાન ગણાવી છે. ચીને પણ પ્રતિક્રિયા આપી છે કે, તેનાથી એશિયામાં હથિયારોની રેસ વધશે. ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીન આપવાનો સોદો ઇન્ડો-પેસિફિકમાં ચીનની આક્રમકતાને ઓછી કરવા માટે કરવામાં આવ્યો છે. આ વચ્ચે ભારતે પણ પોતાની નેવીમાં પરમાણુ સબમરીન્સની સંખ્યા વધારવી જોઇએ તેવું તજજ્ઞોનું માનવું છે.

ભારતીય નેવીમાં હાલમાં માત્ર INS અરિહંત નામની પરમાણુ સબમરીન જ કાર્યરત છે. આ પહેલા રશિયા પાસેથી લીઝ પર લેવાયેલી INS ચક્ર પરમાણુ સબમરીન ભારતીય દરિયાઇ ક્ષેત્રની રખેવાળી કરતી હતી. પરંતુ, 10 વર્ષની લીઝ પૂરી થયા બાદ જૂનની શરૂઆતમાં ભારતે INS ચક્રને પાછી આપી દીધી. તે પછી ફરીથી રશિયા પાસેથી નવી પરમાણુ સબમરીન લીઝ પર લેવાની વાતચીત કરવામાં આવી રહી છે.

ભારતે રશિયા સાથે પરમાણુ સબમરીનની ખરીદીને લઈને એક સીક્રેટ ડીલ કરી હતી. આ ડીલની કુલ પડતર ત્યારે 300 કરોડ ડોલર જણાવાઈ હતી. તે અંતર્ગત 2025માં ભારતને રશિયા પાસેથી એક પરમાણુ સબમરીન મળશે, જે આઈએનએસ ચક્ર IIIના નામથી ઓળખાશે. આ પરમાણુ સબમરીન પણ આઈએનએસ ચક્રની જેમ ભારતીય નેવીમાં આગામી 10 વર્ષ સુધી સેવા આપશે. ભારતને જે પરમાણુ સબમરીન મળવાની છે, તે રશિયાની અકૂલા II ક્લાસની કે-322 કાશાલોટ છે. તેમાં ઈન્ટ્રીગ્રેડેટ સોનાર સિસ્ટમ લગાવાયેલી છે, જે ઘણે દૂરથી કોઈ હલચલ વિના દુશ્મનના લોકેશન વિશે જાણી લેશે. ભારતની આઈએનએસ અરિહંતમાં પણ એવી જ સિસ્ટમ લગાવાયેલી છે.

નોંધનીય છે કે, ચીન અને પાકિસ્તાન તરફથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ખતરો સતત વધી રહ્યો છે ત્યારે ભારતે પણ સંરક્ષણની તૈયારીઓને વેગ આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર, નેવીની તાકાતમાં વધારો કરવા માટે ભારત 6 પરમાણુ સબમરીનને નેવીમાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. 1.2 લાખ કરોડના આ સોદાને સરકાર તરફથી ટૂંક સમયમાં જ મંજૂરી મળી શકે છે.