- UAE અને ઇઝરાયલ વચ્ચે યોજાઇ બેઠક
- આ બેઠકમાં બંને દેશો વચ્ચે ટેક્સ અંગેની સમજૂતી પર થયા હસ્તાક્ષર
- આ પગલાંથી મુસ્લિમ દેશો વચ્ચેનો તણાવ વધશે
નવી દિલ્હી: ઇઝરાયલના પેલેસ્ટાઇન પરના હુમલાને લઇને એકજૂટ થનારા મુસ્લિમ દેશો વચ્ચેનો તણાવ ફરી વધે તેવી સંભાવના છે. પેલેસ્ટાઇન પર હુમલાને પગલે ઇસ્લામિક દેશોની બેઠકમાં ઉભરી આવેલો તણાવ વધી શકે છે. તેનું કારણ એ છે કે ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાતે ટેક્સ અંગેની એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
આ અંગે જાણકારી આપતા ઇઝરાયલના નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ગત વર્ષે બંને દેશ વચ્ચેના સંબંધો સામાન્ય થયા બાદ આ દિશામાં પગલું લેવાયું છે. UAEના નાણા મંત્રાલયે ઑક્ટોબરમાં કહ્યું હતું કે, તેઓ બેવડા કરવેરાથી બચવા માટે ઇઝરાયલ સાથે પ્રારંભિક સમજૂતી કરી ચૂક્યા છે. બંને પક્ષના આ કરારને આ વર્ષે મંત્રીઓ અને સંસદે લીલી ઝંડી આપી હતી. આપને જણાવી દઇએ કે, બંને પક્ષ વચ્ચે આ સમજૂતી 1 જૂન, 2022થી પ્રભાવી થશે.
ગત વર્ષે સંયુક્ત આરબ અમીરાત, બહરીન અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો સામાન્ય થયા ત્યાર બાદ આ પહેલી કર સંધિ છે. આ જ રીતે ઈઝરાયલ મોરક્કો અને સુડાન સાથેના સંબંધો પણ સામાન્ય બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ કરાર મુખ્યત્વે ઓઈસીડી મોડલ પર આધારીત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, UAE અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં સુધારા સાથે જ અન્ય મુસ્લિમ દેશો વચ્ચેનો તણાવ હવે ફરીથી વધ્યો છે. ખાસ કરીને ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે થોડાક દિવસો પહેલા થયેલા હિંસક ઘર્ષણ બાદ તણાવ વધ્યો છે.