Site icon Revoi.in

કોવિડના ફરી વધતા પ્રકોપ વચ્ચે USનો મહત્વપૂર્ણ નિર્ણય, H-1B તેમજ L-1 વિઝા માટે અરજદારોને આ કામમાંથી મળી મુક્તિ

Social Share

નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટના કેસમાં વધારો થવાને કારણે યુએસએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે H-1B, L-1 અને O-1 વિઝા માટે અરજદારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટએ કહ્યું કે, કોવિડના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને, સરકારે વિઝાધારકોને તેમના વિઝા રિન્યૂ કરતાં પહેલાં ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ આપી છે.

નિવેદન અનુસાર, કોવિડ-19 મહામારીના ફરીથી વધતા વ્યાપને કારણે વિભાગની વિઝા પ્રોસેસિંગ ક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો હતો. અમે અત્યારે આ કામચલાઉ પગલાં લઇ રહ્યા છીએ. જેથી વિઝા માટે રાહ જોવાનો સમય સુરક્ષિત અને અસરકારક રીતે ઘટાડી શકાય. આ સમય દરમિયાન અમે રાષ્ટ્રીય સુરક્ષાને અમારી પ્રાથમિકતા તરીકે રાખીશું.

જે વિઝા શ્રેણીઓ માટે વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે તેમાં નોન ઇમિગ્રેશન વિઝા, વિદ્યાર્થીઓ માટેના વિઝા, બિન-ખેતી કામદારો, વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો, રમતવીરો, કલાકારો અને મનોરંજન કરનારાઓ જેવી શ્રેણીઓથી સંબંધિત વિઝાનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે,  માર્ચ 2020માં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કોરોના રોગચાળાને કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં તમામ નિયમિત વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી. મર્યાદિત ક્ષમતા અને અગ્રતાના ધોરણે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હોવા છતાં, કેટલાક વિઝા એપોઇન્ટમેન્ટ માટે લોકોએ મહિનાઓ સુધી રાહ જોવી પડી હતી.