Site icon Revoi.in

26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી ઝકી ઉર રહેમાન લખવીની ધરપકડ

Social Share

ઇસ્લામાબાદ: મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર આતંકી ઝકી ઉર રહેમાન લખવીની ધરપકડ કરવામાં આવી છે. ઝકી ઉર રહેમાન લખવીની આતંકીઓને મદદ કરવા તેમજ તેમને પૈસા આપવાના આરોપમાં પાકિસ્તાનના પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે ઝકી ઉર લખવીએ હાફીઝ સઇદ સાથે મળીને 26/11ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું.

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડર લખવીને મુંબઇ હુમલા પછી વર્ષ 2008માં યૂએનએસસીના પ્રસ્તાવ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયો હતો અને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં તેના નામનો સમાવેશ કરાયો હતો. મુંબઇ હુમલાની તપાસ દરમિયાન માહિતી સામે આવી હતી કે લખવીએ જ હાફિઝ સઇદને આતંકી હુમલાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરીને આપ્યો હતો.

હુમલા વિશે વાત કરીએ તો આ હુમલામાં પાકિસ્તાનના આતંકી સંગઠનના લશ્કરના હથિયારો સાથે આવેલા 10 આતંકીઓએ મુંબઇમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા. જ્યારે 300થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. અંદાજે 6 વર્ષ જેલમાં રહ્યા પછી એપ્રિલ 2015માં લશ્કરના ઓપરેશન કમાન્ડર લખવીને પાકિસ્તાનથી જેલમુક્ત કરાયો હતો.

(સંકેત)