Site icon Revoi.in

અમેરિકામાં અત્યારસુધી 7.52 કરોડ લોકોને કોરોનાની રસી અપાઇ, જ્હોન્સનની વેક્સિનને મંજૂરી મળી

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં હજુ પણ કોરોના મહામારીનો હાહાકાર યથાવત્ છે. યુએસમાં રવિવારે કોરોનાના નવા 51,204 કેસ નોંધાતા કોરોનાના કુલ કેસની સંખ્યા 28,605,669 થઇ હતી અને 1097 જણાના મોત થતાં કોરોના મરણાંક 5,13,091 થયો હતો. બીજી તરફ યુએસમાં જહોન્સન એન્ડ જ્હોન્સનની કોરોના રસીને મંજૂરી આપી દેવામાં આવી છે.

અત્યારસુધીમાં યુએસમાં કોરોના વેક્સિનેશન અભિયાનની વાત કરીએ તો યુએસમાં કુલ 75,235,003 જણાને કોરોનાની રસી અપાઇ છે. ઓછામાં ઓછા 49,772,180 લોકોને કોરોના રસીનો એક ડોઝ અપાઇ ગયો છે. જ્યારે 24,779,920 જણાને કોરોના રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે. જે અમેરિકાની વસતીના 7.5 ટકા છે.

બીજી તરફ યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં જોવા મળેલાં કોરોના વાઇરસના નવા વેરીઅન્ટના પણ યુએસમાં 2463 કેસો નોંધાયા છે તેમ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સીડીસીએ જણાવ્યું હતું કે આ કુલ કેસો નથી પણ પોઝિટિવ સેમ્પલ એનાલાઇઝ કરતાં તેના આટલા કેસ પરખાયા છે. મોટાભાગના કેસો યુકે વેરીઅન્ટના છે જે 44 રાજ્યોમાં જણાયા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના વેરીઅન્ટના કેસો પંદર રાજ્યોમાં જણાયા છે. જ્યારે બ્રાઝિલ વેરીઅન્ટના 10 કેસો પાંચ રાજ્યોમાં જણાયા છે.

યુકેમાં પણ બ્રાઝિલ વેરીઅન્ટના છ કેસ મળી આવતાં બ્રાઝિલથી યુકેની સીધી ફલાઇટ સ્થગિત કરી દેવામાં આવી છે. ભારે ચેપી ગણાતો આ કોરોના વાઇરસ વેરીઅન્ટ સૌ પહેલાં બ્રાઝિલના શહેર માનોસમાં દેખાયો હતો. હાલ યુકેમાં છ કેસ નોંધાયા છે પણ આ ચેપ ધરાવતો એક જણ છટકી ગયો છે જેનો પત્તો લગાવી શકાયો નથી.

આ વેરીઅન્ટ જેમને કોરોના થઇ ચૂક્યો હોય તેમને પણ ફરી ચેપ લગાડે છે. યુકેમાં નોંધાયેલા આ વેરીઅન્ટના કેસોમાં પ્રવાસીઓ વાયા યુરોપિયન શહેરોમાંથી ફેબુ્રઆરીની શરૂઆતમાં યુકેમાં આવ્યા હતા.

ત્રણ કેસ સ્કોટ લેન્ડમાં અને બે કેસ સાઉથવેસ્ટ લંડનમાં જણાયા છે જ્યારે છઠ્ઠા કેસમાં દર્દીએ ફોર્મમાં તેની સંપર્કની વિગતો બરાબર ભરી નહોતી. યુકેમાં દસ દિવસના હોટલ ક્વોરન્ટાઇનની શરૂઆત થઇ તેના થોડા દિવસો પૂર્વે જ આ દર્દીઓ યુકેમાં આવી પહોંચ્યા હતા.

(સંકેત)

Exit mobile version