Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં તાલિબાનથી ડરીને ભાગ્યા સૈનિકો તો મહિલાઓએ દેખાડ્યો દમ, સંભાળ્યો મોરચો

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની ઘર વાપસી બાદ તાલિબાનીઓએ ત્યાં કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે અને અનેક વિસ્તારો પર કબજો કરીને દહેશત ફેલાવી રહ્યા છે. તેને કારણે અનેક અફઘાનિસ્તાનના સૈનિકોને પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવાનો વારો આવ્યો છે. આવામાં અફઘાન મહિલાઓએ શક્તિનું પ્રદર્શન કરીને મોરચો સંભાળ્યો છે. સૈનિકોનું મનોબળ અને જુસ્સો વધારવા માટે મહિલાઓ મેદાનમાં ઉતરી છે. તેઓ અનુસાર તેઓ છેલ્લા શ્વાસ સુધી તાલિબાન સામે લડવા માટે મક્કમ છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની આશંકાને ધ્યાનમાં રાખતા મહિલાઓએ મોરચો સંભાળ્યો છે. તેઓ રસ્તાઓ પર ઉતરીને તાલિબાન વિરોધી નારા લગાવી રહ્યા છે અને યુદ્વના મેદાનમાં તેમનો સામનો કરવા માટે પણ તૈયાર છે.

મહિલા નિદેશાલયના પ્રમુખ હાલિમા પરાસ્થિથએ કહ્યું કે, કેટલીક મહિલાઓ સુરક્ષાદળોને ફક્ત પ્રતિકાત્મક રીતે પ્રેરિત કરવા માંગે છે જ્યારે મોટા ભાગના મહિલાઓ તાલિબાન સાથે યુદ્વ માટે પણ તૈયાર છે અને તેમાં હું પણ સામેલ છું. અમે ગવર્નર સામે યુદ્વમાં સામેલ થવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

અમેરિકી સૈન્યની વાપસીથી તાલિબાનનો જુસ્સો વધી ગયો છે અને હવે તેઓ અફઘાન સેના પર દમન કરી રહ્યા છે. મહિલાઓને એ પણ ડર છે કે જો તાલિબાન સંપૂર્ણ રીતે હાવી થયું તો દેશ 20 વર્ષ જૂના સમયમાં પહોંચી જશે જ્યાં તેમના પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. હાલમાં જ તાલિબાને પોતાના કબ્જાવાળા વિસ્તારોમાં કટ્ટર કાયદા લાગૂ કરવાની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં એવી અનેક તસવીરો સામે આવી છે કે જેમાં અફઘાન મહિલાઓના હાથમાં હથિયાર અને દેશનો ઝંડો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર રાજધાની કાબૂલ, ફારયાબ, હેરાત અને અન્ય અનેક શહેરોમાં મહિલાઓએ રસ્તાઓ પર ઉતરીને તાલિબાન વિરુદ્વ પ્રદર્શન કર્યું અને યુદ્વમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી.