Site icon Revoi.in

યુએસ સંસદ પર અગાઉ પણ થયો હતો હુમલો, ઇતિહાસ છે સાક્ષી, જાણો કોણે કર્યો હતો હુમલો?

Social Share

વોશિંગ્ટન: અમેરિકામાં અંદાજે 200 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. ગુરુવારે વોશિંગ્ટનમાં જે રીતે કેપિટલ હિલ પર કબ્જો જમાવાવની કોશિશ કરવામાં આવી, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકી સંસદમાં ઘૂષણખોરી કરીને અને કબ્જો કરવાનો પ્રયાસ કર્યો. આવો જ એક હુમલો ભૂતકાળમાં આ બિલ્ડિંગ પર અંગ્રેજોએ કર્યો હતો. ત્યારે બ્રિટિશ ઘૂષણખોરોએ વોશિંગ્ટનને બાળી મૂક્યું હતું તેમજ અમેરિકી સંસદને તબાહ કરવાની કોશિશ પણ કરી હતી.

અમેરિકાના ઇતિહાસ પર નજર કરીએ તો અમેરિકા પણ પ્રારંભમાં બ્રિટનને આધીન હતું પરંતુ આઝાદી બાદ જ્યારે અમેરિકાએ પગભર થવાનું શરૂ કર્યું ત્યારે વર્ષ 1812માં બ્રિટન સાથે એક યુદ્વ થયું હતું જેમાં બ્રિટને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. જે સમયે આ હિંસાનો દાવાનળ ફાટી નિકળ્યો હતો ત્યારે વર્ષ 1814માં એક સમય એવો આવ્યો કે જ્યારે બ્રિટિશ ઘૂસણખોરોએ વોશિંગ્ટનમાં તબાહી મચાવી અને અમેરિકી સંસદ પર કબ્જો જમાવવાની પણ કોશિશ કરી.

વર્ષ 1814માં 24 ઑગસ્ટના રોજ બ્રિટિશ ઘૂસણખોરોએ વોશિંગ્ટન તરફ કૂચ કરી હતી. જ્યારે તેઓ આ જગ્યાએ આવ્યાં ત્યારે સૌથી પહેલી નજર કેપિટલ હિલની આ બિલ્ડિંગ પર ગઇ હતી. જે ત્યારે સૌથી શાનદાર બિલ્ડિંગોમાંથી એક હતી. એ સમયે બ્રિટિશ ઘૂસણખોરોએ અમેરિકી સંસદમાં રહેલા ફર્નિચરમાં આગ લગાવી હતી અને ત્યારબાદ આ આગ આખા બિલ્ડિંગમાં ફેલાઇ ગઇ હતી.

કેપિટલ હિલને આગને હવાલે કર્યા બાદ બ્રિટિનના હુમલાખોરોએ વ્હાઈટ હાઉસ તરફ નજર કરી હતી અને રાષ્ટ્રપતિની ઓફિસ પર હુમલો કર્યો હતો.

અહીંયા હવે મહત્વની વાત એ છે કે હવે અંદાજે 200 વર્ષ બાદ ફરી એકવાર અમેરિકી સંસદ પર હુમલો થયો છે. પરંતુ આ વખતે કોઇ બહારના ઘૂસણખોરો નહીં પરંતુ અમેરિકાના જ લોકોએ આ હુમલો કર્યો છે. ચૂંટણીમાં હારથી પરેશાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ જ કેપિટલ હિલનો ઘેરાવો કર્યો અને અમેરિકી સંસદ પર હુમલો કર્યો.

(સંકેત)