Site icon Revoi.in

અમેરિકાની નવી સરકારનું ભારતના પક્ષમાં નિવેદન, કહ્યું – ચીન વિરુદ્વ ખભો મિલાવીને કામ કરીશું

Social Share

વોશિંગ્ટન: અમેરિકાની નવી સરકારે ચીન પ્રત્યેનું તેમનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. અમેરિકાની નવી સરકારે સ્પષ્ટતા કરી છે કે ચીન પ્રત્યે તેમની રણનીતિ પહેલા કરતાં વધુ આક્રમક રહેશે અને ચીનના પડકારોને પહોંચી વળવા માટે તેઓ ભારત સાથે ખભેથી ખભો મેળવીને ચાલશે. નવા ચૂંટાઇ આવેલા રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાની ટીમમાં સામેલ કરેલા એન્ટની બ્લિન્કેને ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી.

બ્લિન્કેને કહ્યું કે ભારત અને અમેરિકા વિસ્તારવાદી ચીનના રૂપમાં એકસરખા પડકારનો સામનો કરી રહ્યા છે. તેથી આ મુદ્દે ભારતે અમેરિકાના એક મહત્વના ભાગીદાર હોવું જોઇએ. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બ્લિન્કેનનું આ નિવેદન સામે આવ્યું છે. જણાવી દઇએ કે જો બાઇડેને બ્લિન્કેનને વિદેશમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે અને સેનેટની વિદેશ સંબંધિત સમિતિની મંજૂરી મળી ગયા બાદ બ્લિન્કેન માઇક પોમ્પિઓનું સ્થાન લેશે.

બ્લિન્કેને વધુમાં ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડેન અમારા લોકતંત્રને નવીનકૃત કરવા માટે તથા ભારત જેવા નીકટના ભાગીદારો સાથે કામ કરશે. ઓબામા-બાઇડેન પ્રશાસન દરમિયાન અમે ભારતને હિન્દ પ્રશાંત રણનીતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સભ્ય બનાવવા માટે આકરી મહેનત કરી હતી. હિન્દ પ્રશાંતમાં નિયમ આધારિત વ્યવસ્થા સુનિશ્વિત કરવા અને મજબૂત કરવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. અમે ચીન સહિત કોઇપણ દેશને પોતાના પાડોશીઓને ધમકાવવા દઇશું નહીં.

એન્ટની બ્લિન્કેને કહ્યું કે બાઇડેનના પ્રશાસનમાં અમે ઇચ્છીશું કે ભારત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભૂમિકા અદા કરે, તેનાથી તેને સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સભ્યપદ મેળવવામાં મદદ મળશે. અમે ભારતની રક્ષાને મજબૂત કરવા સંયુક્તપણે કામ કરીશું અને એક આતંકવાદી વિરોધી ભાગીદાર તરીકે તેની ક્ષમતાઓને વિસ્તરિત કરીશું.

(સંકેત)