Site icon Revoi.in

ભારતનો ભૂલ ભરેલો નકશો દર્શાવવા બદલ BBCએ માફી માગી

Social Share

લંડન: BBCએ થોડા સમય પહેલા ભારતના નકશામાં જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને જુદી રીતે દર્શાવીને ખોટો નકશો રજૂ કર્યો હતો. જો કે બાદમા હોબાળો મચી ગયો હતો. હવે બીબીસીએ આ મુદ્દે ભારતની માફી માગી હતી.

બ્રિટનના મૂળ ભારતીય કૂળના લેબર પાર્ટીના સાંસદ વીરેન્દ્ર શર્માએ બીબીસીને પત્ર લખીને આ નકશાની ભૂલ સુધારી લેવાનું કહ્યું હતું. ત્યારબાદ બીબીસીએ પોતાની ભૂલ બદલ માફી માગી લીધી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડનને લગતી એક ડોક્યુમેન્ટરી બીબીસીએ બનાવી હતી. એમાં ભારતના નકશામાં જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને ભારતથી જુદાં હોય એવા દેખાડ્યાં હતાં. આ નકશો જોયા પછી સોશિયલ મીડિયા પર લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમ મૂળ ભારતીય કૂળના બ્રિટિશ સાંસદોએ પણ આ નકશાનો વિરોધ કર્યો હતો.

આ ઘટના બાદ ઇન્ડો બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના પ્રમુખ વીરેન્દ્ર શર્માએ આ ભૂલને ગંભીરતાપૂર્વક લીધી હતી અને બીબીસીને કડક ભાષામાં પત્ર લખ્યો હતો. શર્માએ લખ્યું કે જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ ભારતનો એક આંતરિક હિસ્સો છે. તેને અલગ દેખાડીને તમે બ્રિટનમાં વસતા લાખો ભારતીયોનું અપમાન કરી રહ્યા છો. આ નકશો તત્કાળ દૂર કરવો નહીંતર અમારે કાયદેસરનાં પગલાં લેવા પડશે.

આ પત્ર બાદ બીબીસીએ તરત પોતાની ભૂલની કબૂલાત કરી હતી અને વીડિયોમંથી ભારતનો ભૂલ ભરેલો નકશો દૂર કર્યો હતો.

અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર પણ ભારતનો ભૂલ ભરેલો નકશો પ્રગટ થયો હતો. આ નકશા બાદ ભારતે તેનો વિરોધ નોંધાવ્યો હતો અને WHOને ફરિયાદ કરતા પત્ર લખ્યો હતો. ભારતની કડકાઇ બાદ વિશ્વ આરોગ્ય સંગઠને નકશો હટાવી લીધો હતો. WHOએ ત્યારબાદ સુધારેલો નકશો રજૂ કર્યો હતો.

પાકિસ્તાન અને ચીન પણ પોતાના અટકચાળાંમાં આવું અવારનવાર કરતા રહે છે. આ બંને પાડોશી દેશો જમ્મુ કશ્મીર અને અરુણાચલ પ્રદેશ જેવા વિસ્તારોને પોતાના ગણાવતા રહે છે.

(સંકેત)