Site icon Revoi.in

અમેરિકામાં નવો એક્શન પ્લાન, 100 દિવસ માસ્ક ફરજીયાત, પ્રવાસીઓએ થવું પડશે ક્વોરન્ટાઇન

Social Share

વોશિંગ્ટન: કોરોના વાયરસથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ છે ત્યારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટેની કવાયત હાથ ધરી છે. પ્રથમ 100 દિવસ માટેનો એક્શન પ્લાન જાહેર કરી દેવાયો છે. અમેરિકાના નાગરિકોએ હવે આગામી 100 દિવસ સુધી માસ્ક ફરજીયાત પહેરવું પડશે. પ્રવાસીઓએ અમેરિકામાં આવીને ફરજીયાતપણે ક્વોરન્ટાઇન થવું પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડેને કોરોનાને અંકુશમાં લેવા માટે નવો એક્શન પ્લાન જાહેર કર્યો હતો. અમેરિકામાં અત્યારસુધી ટ્રમ્પ સરકારે માસ્ક મરજીયાત રાખ્યુ હતું, પરંતુ એ નિયમ બદલીને બાઇડેને આગામી 100 દિવસ માટે બધા જ નાગરિકો માટે માસ્ક ફરજીયાત કરી દીધું છે.

એક્શન પ્લાન અનુસાર અમેરિકામાં આવતા વિદેશીઓએ ક્વોરન્ટાઇન રહેવું પડશે અને કોરોનાનો ટેસ્ટ પણ ફરજીયાત કરાવવો પડશે. તાવ-ખાંસી, ગળામાં દર્દ હોય એવા તમામ શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ કરાવવાની તાકીદ પણ બાઇડેને હેલ્થ વિભાગને કરી છે.

બાઇડેને સત્તા સંભાળી તે સાથે જ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આરોગ્ય વિભાગને સક્રિય થવાનો આદેશ કર્યો હતો. આગામી 100 દિવસમાં બાઇડેને 10 કરોડ નાગરિકોને રસી આપવાનું ટાર્ગેટ નક્કી કર્યું છે.

અમેરિકામાં નવા ૨૪૦૩ દર્દીઓ સાથે કુલ ૨,૫૧,૯૮,૪૮૯ કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોનાથી વધુ ૩૩નાં મોત થયા હતા. એ સાથે જ અમેરિકામાં કુલ મૃત્યુઆંક ૪.૨૦ લાખને પાર થઈ ગયો છે.

(સંકેત)