Site icon Revoi.in

કોરોના રોગચાળા વચ્ચે વધુ એક ભયાનક બિમારીનો તોળાતો ખતરો, WHOએ આપી ચેતવણી

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલમાં ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે આ દરમિયાન વધુ એક રોગચાળાનું સંકટ તોળાઇ રહ્યું છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ વિશે ચેતવણી આપી છે.

આપને જણાવી દઇએ કે, ચીનમાં જીવલેણ બર્ડ ફ્લૂ H5N6નો મૃત્યુદર 50 ટકા સુધી પહોંચી ગયો છે. બર્ડ ફ્લૂના કેસમાં વધારો એ ચિંતાનો વિષય છે તેમજ H5N6 બર્ડ ફ્લૂના પ્રકારને હાલમાં ટ્રેક કરવાની આવશ્યકતા છે તેવી ચીને ચેતવણી આપી છે.

બર્ડ ફ્લૂ રોગચાળાની ગંભીરતા અંગે વાત કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તાએ કહ્યું હતું કે, ચીનમાં બર્ડ ફ્લૂથી પ્રભાવિત વિસ્તારોમાં તેના ભયને સારી રીતે સમજવા માટે સર્વેલન્સની આવશ્યકતા છે. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલએ પણ H5N6 વેરિએન્ટથી ઉદ્વવતા ગંભીર ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એવી પણ ચિંતા વ્યક્ત કરી છે જે ગતિએ બર્ડ ફ્લૂ વકરી રહ્યો છે તે એક ચિંતાનો વિષય બની શકે છે.

જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, અત્યારસુધી આ વાયરસના માનવથી માનવ સંક્રમણના કોઇ નક્કર પુરાવા મળ્યા નથી. તે જ સમયે, એવું પણ કહેવાઇ રહ્યું હતું કે, અત્યારસુધી તેની પકડ હેઠળ આવેલા તમામ લોકો ગંભીર રોગોથી પીડિત હતા.

બર્ડ ફ્લૂથી બચવા માટે નિષ્ણાતોએ કેટલાક સૂચનો કર્યા છે જેમાં લોકોએ બીમાર તેમજ મૃત મરઘાં અથવા પક્ષીઓના સંપર્કમાં આવવાનું ટાળવું જોઇએ. ઉપરાંત, જીવંત પક્ષીઓ સાથે સીધો સંપર્ક પણ ટાળવાનો પ્રયાસ કરવો જોઇએ.