Site icon Revoi.in

હવે આ દેશના રાષ્ટ્રપતિએ માસ્ક ના પહેરવા બદલ અઢી લાખનો દંડ ભરવો પડ્યો

Social Share

સેંટિયાગો: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક સૌથી અસરકારક હથિયાર કહી શકાય. જો કે, કેટલાક લોકો હજુ પણ માસ્ક ના પહેરીને બેદરકારી દર્શાવે છે અને પછી તેઓ વિરુદ્વ દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડે છે. હવે માસ્ક ના પહેરવા બદલ ચિલીના રાષ્ટ્રપતિ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરોએ સમુદ્ર કિનારે માસ્ક વિના ફોટો પડાવ્યો હતો, સ્વાસ્થ્ય અધિકારીઓએ તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવતાં રાષ્ટ્રપતિને દંડ ફટકાર્યો હતો.

ચિલમાં કોરોનાના વધતા સંક્રમણ બાદ સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરોએ માસ્ક ના પહેરીને કોરોનાની સારવાર માટે લાગૂ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેના લીધે તેમના પર અંદાજે અઢી લાખ ($3500) રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

માસ્ક નહીં પહેરવા બદલ ટીકા બાદ રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે તે પોતાના ઘરની પાસે સમુદ્ર તટ પર એકલા ફરી રહ્યા હતા, ત્યારે એક મહિલા તેમની પાસે આવી અને સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો. મહિલાના આગ્રહને તે અસ્વિકાર કરી શક્યા નહીં. વાયરલ સેલ્ફીમાં જોવા મળી રહ્યું છે કે રાષ્ટ્રપતિ અને મહિલા નજીક ઉભા છે અને રાષ્ટ્રપતિએ માસ્ક પહેર્યું નથી.

અગાઉ પણ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયનને ઘણીવાર ટીકાનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષે જ્યારે સૈંટિયાગોમાં અસમાનતાને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ પિત્ઝા પાર્ટીમાં વ્યસ્ત હતા. તેમનો આ ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

(સંકેત)