Site icon Revoi.in

એક તરફ બાઇડેને શપથ ગ્રહણ કર્યા, બીજી તરફ ચીને અમેરિકાના 28 અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ

Social Share

બીજિંગ: જો બાઇડેનના શપથ ગ્રહણ કર્યા બાદ તાત્કાલિક ચીને મોટું પગલું ભર્યું છે. ચીને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાળમાં મહત્વના પદો પર રહેલા 28 અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ નામ માઇક પોમ્પિયોનું છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ કાર્યકાળમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા રોબર્ટ સી ઓ બ્રાયન પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ચીનના આંતરિક કેસમાં હસ્તક્ષેપનો આરોપ મૂકીને ચીને આ પ્રતિબંધ લગાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રની સંપ્રભુતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતાં પોમ્પિયો તેમજ અન્ય 27 અધિકારીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ત્યારબાદ આ તમામ 28 લોકો હવે ચીનની સીમામાં કોઇપણ પ્રકારની યાત્રા કરી શકશે નહીં. ચીને જો બાઇડેનના શપથ ગ્રહણ સમારોહ વખતે આ જાહેરાત કરી હતી. ચીને આરોપ લગાવ્યો હતો કે આ તમામ લોકો ચીન-અમેરિકાના વણસેલા સંબંધો માટે જવાબદાર છે.

આ યાદીમાં માઇક પોમ્પિયો, રોબર્ટ સી. ઓબ્રાયન, પીટર નેવારો, ડેવિડ સ્ટિલવેલ, મૈથ્યૂ પોટિંગર, એલેસ અઝર, જીથ ક્રૈચ, કેલી ડીના ક્રાફ્ટની સાથે ઝ્હોન આર બોલ્ટન, સ્ટીફન બેનનનું નામ સામેલ છે. આ જાહેરાત બાદ તાત્કાલિક આ તમામ લોકોની સાથે તેમના પરિવારના સભ્યોને પણ ચીનની મુખ્ય ભૂમિ ઉપરાંત હોંગકોંગ, મકાઉમાં પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા. એટલું જ નહી, યાદીમાં લોકો ચીન અથવા ચીનની કોઇ પણ કંપની સાથે વેપાર પણ કરી શકશે નહી.

નોંધનીય છે કે ચીને ડોનાલ્ડ ટ્રમ્પના અધિકારીઓ પર પ્રતિબંધ લગાવ્યો, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને લઇને કોઇપણ પ્રકારનું પગલું ભર્યું નથી. ચીનના આ પગલાંને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ રહેતાં તે નિર્ણયોનો જવાબ ગણવામાં આવે છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ચીનના ઘણા અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

(સંકેત)

Exit mobile version