Site icon Revoi.in

ચીને ભારતની ચિંતા વધારી, બ્રહ્મપુત્ર નદી પર કરશે ડેમનું નિર્માણ

Social Share
બીજિંગ: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને હવે ભારતની ચિંતા વધારી છે. ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય ડેમનું નિર્માણ કરશે અને આગામી વર્ષથી લાગુ થનારી 14મી પંચવર્ષીય યોજનામાં તેને સંબંધિત પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ધ ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ અનુસાર પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઑફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગે કહ્યું કે ચીન યારલુંગ જંગ્બો નદીના નીચલા હિસ્સામાં જળવિદ્યુત ઉપયોગ પરિયોજના શરૂ કરશે અને આ પરિયોજના જળ સંસાધનો અને સ્થાનિક સુરક્ષાને મજબૂત કરવામાં મદદરૂપ થઇ શકે છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇન (સીપીસી) દેશની 14મી પંચવર્ષીય યોજના (2021-25) તૈયાર કરવાના પ્રસ્તાવમાં આ પરિયોજનાને સામેલ કરશે અને વર્ષ 2035 સુધીમાં તેના માધ્યમથી લાંબા ગાળાના લક્ષ્ય પ્રાપ્ત કરવા પર વિચાર કરી ચૂકી છે.
આગામી વર્ષે નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC) દ્વારા ઔપચારિક અનુસમર્થન આપ્યા બાદ આ પરિયોજના અંગે વિસ્તૃત જાણરા મળી શકે છે. બ્રહ્મપુત્ર નદી ભારત અને બાંગ્લાદેશ થઇને પસાર થાય છે. એવામાં ડેમ નિર્માણના પ્રસ્તાવથી બંને દેશોની ચિંતામાં વધારો થયો છે. જો કે ચીને આ ચિંતાઓને ફગાવી દેતા કહ્યું છે કે તેઓ તેમના હિતોને ધ્યાનમાં રાખશે.
નોંધનીય છે કે, ભારત સરકાર નિયમિત રૂપથી પોતાના વિચારો અને ચિંતાઓથી ચીની અધિકારીઓને અવગત કરાવતી રહી છે અને ભારતે ચીનને એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો છે કે નદીની ઉપરના હિસ્સામાં થનારી ગતિવિધિઓથી નીચલા હિસ્સા સાથે જોડાયેલા દેશોના હિતોને નુકસાન ન થાય.
(સંકેત)
Exit mobile version