Site icon Revoi.in

વિશ્વ એકતા દર્શાવશે તો માત્ર 2 વર્ષમાં કોરોનાની મહામારી સમાપ્ત થશે: WHO પ્રમુખ

Social Share

કોરોના વાયરસની મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશાવાદ વ્યક્ત કર્યો છે કે દુનિયામાં બે વર્ષની અંદર કોરોના વાયરસની મહામારી સમાપ્ત થઇ જશે. તેનો અંત વર્ષ 1918માં ફેલાયેલા ફ્લૂ મહામારીને રોકવામાં લાગેલા સમય કરતા ઓછો થઇ જશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એધનોમે જણાવ્યું હતું કે જો દુનિયા સાથે મળી એકતા બતાવે તો બે વર્ષમાં આ મહામારી સમાપ્ત થઇ શકે છે. તે ઉપરાંત દરેકે સાથે મળીને સંયુક્તપણે તેની રસી શોધવી પડશે. એક જ વાર આવું સ્વાસ્થ્ય સંકટ ઉપસ્થિત થાય છે. લગભગ 102 વર્ષ પહેલા સ્પેનિશ ફલૂ બે વર્ષમાં સમાપ્ત થયો હતો. આ રીતે કોરોના વાયરસની મહામારી પણ સમાપ્ત થઇ જશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગ્લોબલાઇઝેશનના કારણે કોરોના વાયરસનો પ્રસાર વર્ષ 1918ની તુલનામાં ખૂબ ઝડપથી થયો છે. જો કે અમારી પાસે તે સમય કરતાં વાયરસને રોકવાની વધુ વિકસિત ટેક્નોલોજી પણ છે. વાયરસને નાથવા માટે સાંપ્રત પરિસ્થિતિ વધુ સારી છે.

નોંધનીય છે કે કોરોના વાયરસથી અત્યારસુધી વિશ્વના 22.81 કરોડ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારે મૃતકાંક 7,93,382 થઇ ચૂક્યો છે. અમેરિકા અને બ્રાઝિલમાં કોરોના સંક્રમણ સૌથી વધુ છે. જ્યારે ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યા 29 લાખને પાર થઇ ચૂકી છે.

(સંકેત)