Site icon Revoi.in

કોરોનાને કારણે અમેરિકામાં ભૂખમરાનું સંકટ વધ્યું, દર 6માંથી એક નાગરિકને નથી મળતું ભોજન

Social Share

વોશિંગ્ટન: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં અમેરિકા પ્રથમ ક્રમાંકે છે ત્યારે કોરોના કારણે અમેરિકાની હાલત વધુ કથળી છે. કોરોનાને કારણે અમેરિકાના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને બીજી તરફ લાખો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

અમેરિકાની હાલની સ્થિતિ વર્ષ 2008માં આવેલી મંદી કરતા પણ ખરાબ છે. અમેરિકામાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લાખો લોકો ભેગા થયા હોવાથી ત્યાં કોરોનાની નવી લહેર આવે તેવી પણ સંભાવના છે. અત્યારસુધી અમેરિકામાં 2 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે અને મોટા પાયે લોકો બેરોજગાર બન્યા છે.

અમેરિકામાં ભૂખમરા સામે કાર્યરત સંગઠન ફિડિંગ અમેરિકા અનુસાર હાલમાં અમેરિકામાં 5 કરોડ લોકો ભોજનની અછતનો સામનો કરી રહ્યા છે. જેનો અર્થ એ થયો કે અમેરિકાના દર 6માંથી 1 નાગરિક સામે ભૂખમરાનું સંકટ છે. આંકડાઓ પ્રમાણે દરેક ચોથું અમેરિકન બાળક ભૂખ્યા સુવા માટે મજબૂર બન્યું છે.

અમેરિકામાં કોરોનાને કારણે બેકારી વધી રહી હોવાથી ભોજન માટે સરકાર પર નિર્ભર રહેનારા લોકોની સંખ્યા જૂન મહિના કરતાં બમણી થઇ ચૂકી છે. ફિંડિંગ અમેરિકા સંસ્થાએ એક મહિનામાં 54 કરોડ ફૂડ પેકેડ વહેંચ્યા છે. જે કોરોનાની મહામારી શરૂ થઇ તે પહેલાની સંખ્યા કરતાં 52 ટકા વધારે છે. સૌથી ખરાબ સ્થિતિ અશ્વેત, એશિયન તેમજ લેટિન અમેરિકન સમુદાયના લોકોની છે.

(સંકેત)