Site icon Revoi.in

આતંકીઓના ‘જનક’ ગણાતા પાકિસ્તાનના ભાવિનો આજે થશે ફેંસલો, FATF લેશે નિર્ણય

Social Share

પેરિસ: આતંકીઓને શરણ આપતા અને આતંકવાદના જનક ગણાતા પાકિસ્તાનના ભાવિનો આજે ફેંસલો થઇ જશે. હકીકતમાં, ફાઇનાન્શ્યિલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) આજે પાકિસ્તાનના ભાવિ અંગે નિર્ણય લેશે. પાકિસ્તાનને સર્જેલો આતંકવાદ આજે પાકિસ્તાનને જ ડંખે તેવી શક્યતા છે. FATF જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકશે તો પાકિસ્તાનની સ્થિતિ સમગ્ર વિશ્વમાં કફોડી થઇ જશે.

આપને જણાવી દઇએ કે, FATFએ પાકિસ્તાન પાસે 27 મુદ્દે જવાબ માંગ્યો હતો. આ મુદ્દા આતંકવાદને આર્થિક સહાય આપવા અંગેના અને આતંકીઓને પોતાની ધરતી પર વિચરવા દેવા અંગેના હતા. આ બાદ પાકિસ્તાને પોતાના મિત્ર ચીનની મદદથી FATFના નિર્ણય પર પ્રભાવ પાડવાના નિષ્ફળ પ્રયાસો કરી જોયા હતા.

બીજી તરફ ભારતે FATF સમક્ષ નક્કર પુરાવા રજૂ કરીને પાકિસ્તાનના દાવાને પોકળ સાબિત કર્યો હતો. ભારતે પુરાવા સહિત એ પણ રજૂઆત કરી હતી કે તમે આપેલા 27માંના માત્ર 21 મુદ્દાનો અમલ પાકિસ્તાને કર્યો હતો. ભારતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયેલ જૈશ એ મુહમ્મદ કે દાઉદ ઇબ્રાહિમ વિરુદ્વ પણ કોઇ પગલાં લીધા નહોતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અનેક વર્ષોથી આતંકવાદીઓને પાકિસ્તાનમાં પનાહ આપી રહ્યું છે અને પાકિસ્તાનમાં જ રહીને આતંકીઓનું સંપૂર્ણ નેટવર્ક સમગ્ર વિશ્વમાં સક્રિય રહે છે અને વિશ્વમાં અનેક જગ્યાએ હુમલા, ષડયંત્ર અને કાવતરા ઘડીને વિશ્વમાં અશાંતિ અને લોકોમાં દહેશત ફેલાવવાનું કામ કરે છે.

(સંકેત)