Site icon Revoi.in

અમેરિકામાં વર્ષ 2022 સુધી વ્યાજદરો શૂન્ય ટકાએ રહેશે યથાવત

Social Share

– અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરોમાં વધારો કરશે તે અટકળોનો આવ્યો અંત
– અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરો શૂન્યની નજીક જાળવવાની ખાતરી ઉચ્ચારી હતી
– વર્ષ 2022 સુધી આ દર જળવાઇ રહેવાનો કમિટિએ સૂર વ્યક્ત કર્યો

છેલ્લા કેટલાક સમયથી અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી અટકળો હતી પરંતુ હવે આ અટકળોનો અંત આવ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર શૂન્યની નજીક જાળવવાની ખાતરી ઉચ્ચારી હતી અને ફુગાવો જ્યાં સુધી સતત નહીં વધે ત્યાં સુધી વ્યાજ દર શૂન્ય સ્તરે જ જાળવી રાખવાની કટિબદ્વતા દર્શાવી હતી. અમેરિકાના અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ તેની ગતિ ધીમી હોવાથી નીતિ વિષયક તથા સરકારી ખર્ચ તરફથી ટેકાની આવશ્યકતા રહે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ટૂંકા ગાળા માટેના વ્યાજ દરો 0 થી 0.25 ટકાની રેન્જમાં રહેશે એમ ફેડરલ ઓપન માર્કેટ કમિટિના ચેરમેન જેરોમ પોવેલે બે દિવસની બેઠકના અંતે એક નિવેદનમાં આ જણાવ્યું હતું. વર્ષ 2022 સુધી આ દર જળવાઇ રહેવાનો કમિટિએ સૂર વ્યક્ત કર્યો હતો.

અમેરિકાનો આર્થિક વિકાસ દરનો અંદાજ વર્તમાન સમગ્ર વર્ષ માટે જે જૂનમાં 6.50 ટકા ઘટવાનો મુકાયો હતો તે હવે સાધારણ સુધરીને 3.70 ટકા નીચો રહેવાનો મુકાયો છે. વર્ષ 2021 માટેનું જીડીપીનું આઉટલુક જે અગાઉ 5 ટકા મુકાયું હતું તે હવે ઘટાડીને 4 ટકા મુકાયું છે.

બીજી તરફ બેરોજગારીના દરની ટકાવારી પણ જે અગાઉ 9.30 ટકા મુકાઇ હતી તેમાં ફેરબદલ કરીને 7.60 ટકા કરાઇ છે. વર્ષ 2020 માટે કમિટિએ ફુગાવાનું પ્રોજેક્શન વધારી 1.20 ટકા કર્યું છે જે જૂનમાં 0.80 ટકા રખાયું હતું.

(સંકેત)