Site icon Revoi.in

ભારત થયું ગૌરવાન્તિત: ટાઇમ્સની પ્રતિભાશાળી યુવાઓની યાદીમાં 5 ભારતીય નાગરિકોનો સમાવેશ

Social Share

ન્યૂયોર્ક: ભારત ફરી એક વખત ગૌરવાન્તિત થયું છે. પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને પ્રતિભાશાળી યુવાઓની યાદીમાં પાંચ ભારતીય કે ભારતીય મૂળના યુવાઓનો સમાવેશ કર્યો હતો. ટાઇમ મેગેઝિને ટાઇમ-100 નેકસ્ટ નામનું લિસ્ટ ટાઇમે જાહેર કર્યું હતું, જેમાં ભારતીય મૂળના બ્રિટિશ નાણામંત્રી ઋષિ સૂનકથી લઇને યુપીના દલિત નેતા ચંદ્રશેખર આઝાદ સહિતના પાંચ ભારતીયોએ સ્થાન હાંસલ કર્યું છે.

ટાઇમ મેગેઝિનના એડિટોરિયલ ડિરેક્ટર ડેન મેક્સેઇએ લિસ્ટ રજૂ કરતા કહ્યું હતું કે આ યાદીમાં સામેલ પ્રતિભાશાળી યુવા નેતાઓ પોત-પોતાના ક્ષેત્રમાં ઇતિહાસ સર્જી રહ્યા છે. ઘણાંએ તો અત્યારે ઇતિહાસ સર્જી દીધો છે. આવા લોકો ભવિષ્ય માટે કાર્ય કરી રહ્યા છે.

ટાઇમ-100 અંતર્ગત જ આ યાદી જાહેર કરવામાં આવી હતી. એ દિશામાં ભવિષ્ય માટે કાર્યરત પ્રતિભાશાળી યુવા લીડર્સના નામ સાથે તેમના કામનો પરિચય અપાયોહતો. આ યાદીમાં ટ્વીટરના ટોચના વકીલ વિજયા ગડ્ડે, બ્રિટનના નાણા મંત્રી ઋષિ સૂનક, ઇન્સ્ટાકાર્ટના સીઇઓ અપૂર્વા મહેતા, સંસૃથા ગેટ અસ પીપીઆઇના અધિકારી શિખા ગુપ્તા તેમજ ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદનો સમાવેશ થાય છે.

ટાઇમે સૌથી વધુ ઋષિ સૂનકની કામગીરીની પ્રશંસા કરી હતી. ટાઇમે કહ્યું હતું કે ઋષિ બ્રિટનમાં ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેને ભવિષ્યના વડાપ્રધાન કલ્પી રહ્યા છે. ચંદ્રશેખર આઝાદ માટે કહેવાયું છે કે તે શિક્ષણ આપીને દલિતોની ગરીબી નાબુદ કરવા માટે પ્રયાસરત છે.

(સંકેત)