Site icon Revoi.in

હવે આ દેશમાં ભારતથી આવતા મુસાફરોએ 10 દિવસ માટે થવું પડશે ક્વોરન્ટાઇન

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરનું જે સુનામી આવ્યું છે તેનાથી વિશ્વમાં દહેશત ફેલાઇ ચૂકી છે. અનેક દેશો ચિંતિત બન્યા છે. હવે ફ્રાન્સે પણ સાવચેતીના ભાગરૂપે ભારતથી આવતા મુસાફરો માટે 10 દિવસનો ક્વોરન્ટાઇન સમય જરૂરી રાખ્યો છે. આ અગાઉ અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની મુસાફરીથી બચવાની સલાહ આપી હતી. અમેરિકાએ કહ્યું હતું કે કોરોના રસી લગાવી ચૂકેલા લોકો હાલમાં ભારત જવાથી બચે. બ્રિટને પણ બીજી તરફ ભારતને રેડ લિસ્ટમાં નાખ્યું છે.

અગાઉ ફ્રાન્સે બ્રાઝિલથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. જેથી કોરોના વેરિએન્ટને દેશમાં ફેલાતો અટકાવી શકાય. આ સાથે જ સરકારે કહ્યું કે ભારતની જેમ આર્જેન્ટિના તેમજ દક્ષિણ આફ્રિકાથી આવતા લોકોએ પણ ક્વોરન્ટાઇન થવું પડશે.

મહામારી પર કેબિનેટની બેઠક બાદ સરકારે કહ્યું કે જ્યાં સ્થિતિ ખુબ ખરાબ અને ચિંતાજનક છે અમે તે દેશોને ધ્યાનમાં રાખતા કડક પગલાં લઈશું. આવનારા દિવસોમાં ટ્રાવેલ બેનને લઈને પણ નિર્ણય લેવાશે.

ભારત અને ફ્રાન્સ વચ્ચે Air Bubble Agreement છે જે હેઠળ એર ઈન્ડિયા અને એર ફ્રાન્સ બંને દેશો વચ્ચે ફ્લાઈટ સંચાલન કરે છે. એર ફ્રાન્સ અઠવાડિયામાં 10 ફ્લાઈટ ઓપરેટ કરે છે જે પેરિસથી દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ જાય છે. કહેવાય છે કે ફ્રાન્સ સરકારના આ નિર્ણય બાદ ત્યાં જનારા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે. અત્રે જણાવવાનું કે કોરોનાની ગતિ વધી રહી છે અને દરરોજ પહેલા કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને હવે એક મેથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થશે.

આ બાજુ એર ઈન્ડિયાએ પણ 24થી 30 એપ્રિલની વચ્ચે બ્રિટન જનારી મોટાભાગની ફ્લાઈટ રદ કરી છે. એરલાઈન્સ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે બ્રિટન દ્વારા ભારતને રેડ લિસ્ટમાં નાખવામાં આવ્યા બાદ ફ્લાઈટની સંખ્યા સિમિત કરાઈ છે.

(સંકેત)