Site icon Revoi.in

પૃથ્વીની સપાટી પર થીજેલો બરફ ઝડપી ગતિએ પીગળી રહ્યો છે: અહેવાલ

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. નવા અહેવાલમાં દાવો થયો હતો કે વિશ્વભરમાંથી વાર્ષિક 328 અબજ ટન બરફ પીગળી જાય છે. છેલ્લાં 20 વર્ષની સેટેલાઇટ ઇમેજનો અભ્યાસ કરીને તારણ રજૂ થયું હતું કે દર વર્ષે 31 ટકાના દરે બરફ પીગળી રહ્યો છે. 15 વર્ષ પહેલાં આવી સ્થિતિ ન હતી. જો આવી જ સ્થિતિ યથાવત્ રહેશે તો વિશ્વની જળસપાટી વધારે ઉંચી આવી જશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાયન્સ મેગેઝિન નેચરમાં પ્રસિદ્વ અહેવાલ અનુસાર, દર વર્ષે 297,556,594,920,000 કિલો બરફ પીગળી જાય છે. વૈજ્ઞાનિકો અનુસાર 2015થી દર વર્ષે વિશ્વના 2,20,000 બર્ફિલા પર્વતોમાંથી 328 અબજ ટન બરફ પીગળી જાય છે. વર્ષ 2000થી 2004ની સરખામણીએ વર્ષ 2015 થી 2019ની વચ્ચે સરેરાશ 78 અબજ ટન બરફ વધુ પીગળ્યો હતો.

વિશ્વમાં જો ક્યાંય સૌથી વધુ બરફ પીગળ્યો હોય તો તે અમેરિકા અને કેનેડામાં પીગળ્યો છે.

અલાસ્કાસ્થિત કોલંબિયા ગ્લેશિયલ દર વર્ષે લગભગ 115 ફૂટ પીગળી જાય છે.    છેલ્લાં 20 વર્ષમાં બરફ પીગળવાની ઝડપ વધી છે. બે ગણી ઝડપથી બરફ પીગળી રહ્યો છે.

વિજ્ઞાાનિકોએ છેલ્લાં 20 વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો હતો. 2000ના વર્ષની સેટેલાઈટ ઈમેજ અને 2020ના વર્ષની સેટેલાઈટ ઈમેજની સરખામણી કરવામાં આવી હતી. અહેવાલમાં કહેવાયું હતું કે વર્ષો સુધી સુરક્ષિત રહેલાં તિબેટના ગ્લેશિયર પણ ઝડપભેર પીગળી રહ્યા છે.

વર્લ્ડ ગ્લેશિયર મોનિટરિંગ સર્વિસના ડિરેક્ટર માઈકલ જેપના કહેવા પ્રમાણે આ એટલો બરફ છે કે જો અચાનક એક જ વર્ષમાં પીગળી જાય તો સ્વિટ્ઝર્લેન્ડ 24 ફૂટ પાણીમાં ડૂબી જાય.

(સંકેત)