Site icon Revoi.in

રાહતના સમાચાર, ક્રિસમસ પહેલા જ બજારમાં આવી શકે છે કોરોનાની વેક્સીન

Social Share

ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વમાં ઝપેટમાં લેનાર કોરોના વાયરસની મહામારીથી ત્રસ્ત લોકો હવે વેક્સીનની કાગડોળે રાહ જોઇ રહ્યા છે ત્યારે બે મોટી ફાર્મા કંપનીઓએ કોરોના વેક્સીનને લઇને ખુશખબરી આપી છે. આ કંપનીઓ અનુસાર ક્રિસમસ પહેલા જ બજારમાં કોરોનાની વેક્સીન આવી શકે છે.

કોરોના વેક્સીનનું નિર્માણ કરતી કંપની ફાઇઝર અને જર્મની સ્થિત બાયોએનટેકે દાવો કર્યો છે કે જો વેક્સીનનું અંતિમ પરિણામ અપેક્ષા મુજબ આવશે તો કહી શકાય કે ક્રિસમસ પહેલા જ કોરોનાની વેક્સીન બજારમાં આવી જશે.

આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સીનનું ટેસ્ટિંગ જુદી જુદી ઉંમરના લોકો પર કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી કોરોનાની વેક્સીને જે પ્રકારની આશા જન્માવી છે તેના પરિણામ પણ તે પ્રમાણે જોવા મળી રહ્યા છે. BioNTechના મુખ્ય કાર્યકારી અધિકારી યુગુર સાહિને જણાવ્યું હતું કે, અમેરિકાની ખાદ્ય અને ઔષધિ પ્રશાસન ડિસેમ્બરના મધ્ય સુધીમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી શકે છે. તે જ રીતે યૂરોપિયન સંઘથી પણ કેટલીક શરતો સાથે ડિસેમ્બરના મધ્ય સુધીમાં મંજૂરી મળી શકે છે.

યુગુર સાહિને ઉમેર્યું હતું કે જો બધુ અપેક્ષા મુજબ રહ્યું તો અમે ડિસેમ્બરના મધ્યમ ભાગ સુધીમાં જ કોરોનાની વેક્સીન બજારમાં ઉતારવા માટે તૈયાર છીએ. ક્રિસમસ પહેલા વેક્સીનને બજારમાં ઉતારી શકાય તેવી અમે આશા રાખીએ છીએ.

ફાઇઝર (Pfizer)ના CEO અલ્બર્ટ બાઉરલાએ કહ્યું કે, આ અધ્યયન છેલ્લા 8 મહિનાથી ચાલુ મહામારીને ખતમ કરવાના પ્રયાસોની દિશામાં અગત્યનું પગલું છે. તેનાથી કોરોના વાયરસના સંક્રમણને ખતમ કરવામાં મહત્વની મદદ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા સ્થિત બાયોટેક કંપની ફાઇઝરે થોડાક સમય પહેલા દાવો કર્યો હતો કે કંપનીની કોવિડ-19 વેક્સીન પોતાના અંતિમ વિશ્લેષણમાં 95 ટકા અસરકારક સાબિત થઇ છે. તેની કોઇ જ આડ અસર જોવા મળી નથી.

(સંકેત)