Site icon Revoi.in

મેહુલ ચોક્સીએ ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટે લંડનના ચાર વકીલ રોક્યા

Social Share

નવી દિલ્હી: પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને ડોમિનિકામાં સરકારની ક્વોરેન્ટાઇન કેન્દ્રમાંથી બીજા દિવસે ટાપુ રાષ્ટ્રના રોસેયુ શહેરની એક હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી બાજુ ભારતમાં પોતાનું પ્રત્યાર્પણ રોકવા માટે મેહુલ ચોક્સીએ લંડનના ચાર મોટા વકીલોને રોક્યા છે. જે ટૂંક સમયમાં ડોમિનિકા પહોંચશે.

મેહુલ ચોક્સીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મેહુલ ચોક્સીને ડોમિનિકા ચીન ફ્રેન્ડશિપ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેને હોસ્પિટલમાં પોલસની સલામતી હેઠળ રખાયો છે. ત્રણ વર્ષમાં પ્રથમ વખત ચોક્સીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બીજી તરફ 2જી જૂને ડોમિનિકન કોર્ટ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને લઇને સુનાવણી કરવાની છે. ચોક્સીનું ભારતમાં પ્રત્યાર્પણ અટકાવવા માટે લંડનમાંથી ચાર મોટા વકીલો વિશેષ વિમાનમાં ડોમિનિકા પહોંચશે અને બીજી જૂને ડોમિનિકન હાઇકોર્ટમાં થનારી સુનાવણીમાં હાજર રહેશે.

દરમિયાન ભારતીય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોર્ટમાં અરજી કરશે કે મેહુલ ચોક્સી પાસે એન્ટીગા અને બારબુડાનો પાસપોર્ટ હોવા છતાં તે ભારતીય નાગરિક છે અને તેણે ડોમિનિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી. તે ભાગેડૂ હોવાથી અને ઈન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પાઠવી હોવાથી તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવું જોઈએ.

મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં જાહેર કરાયેલા ફોટાઓમાં ચોક્સીને જેલના સળિયા પાછળ દર્શાવાયો હતો જ્યારે તેના હાથ પર માર માર્યાના નિશાન હતા અને તેની આંખો લાલ દેખાતી હતી.