Site icon Revoi.in

મ્યાન્મારમાં તખ્તાપલટની સ્થિતિ, આંગ સાન સૂ કી સહિત અનેક નેતાઓની થઇ અટકાયત, 1 વર્ષ માટે કટોકટી લાગુ

Social Share

બર્મા: મ્યાન્મારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી અને રાષ્ટ્રપતિ યુ વિન મ્યિન્ટને અટકાયતમાં લીધા છે. સત્તાધારી પાર્ટી NLDના પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. રાષ્ટ્રપતિ આંગ સાંગ સૂ કી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને સેનાએ સોમવારે દરોડાની કાર્યવાહી બાદ અટકાયતમાં લીધા છે. આ ઉપરાંત સેનાએ 1 વર્ષ માટે કટોકટી પણ લાગુ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મ્યાનમારની સેનાએ 1 વર્ષ માટે કટોકટી લાગુ કરી દીધી છે. સેનાએ 1 વર્ષ માટે દેશ પર નિયંત્રણ કર્યું છે અને સેનાના કમાન્ડર ઇન ચીફ મિન આંગ હ્રાંઇગ પાસે સત્તા જાય છે.

મ્યાન્માર સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં ફ્રોડના જવાબમાં તખ્તાપલટની કાર્યવાહી કરાઈ છે. આ તખ્તાપલટ સાથે જ દેશના અલગ અલગ ભાગોમાં સેનાની ટુકડીઓ તૈનાત કરાઈ છે. મ્યાન્મારના મુખ્ય શહેર યાંગૂનમાં સિટી હોલ બહાર સૈનિકોની તૈનાતી કરાઈ છે. જેથી કરીને તખ્તાપલટનો કોઈ વિરોધ ન કરી શકે.

અત્રે જણાવવાનું કે મ્યાન્મારમાં એક લાંબા સમય સુધી આર્મીનું રાજ રહ્યું છે. વર્ષ 1962થી લઈને વર્ષ 2011 સુધી દેશમાં સૈન્ય શાસન રહ્યું છે. વર્ષ 2010માં મ્યાન્મારમાં સામાન્ય ચૂંટણી યોજાઈ અને 2011માં મ્યાન્મારમાં નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકાર બની. જેમાં જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓને રાજ કરવાની તક મળી.

બીજી તરફ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ તખ્તાપલટ પર ચિંતા વ્યક્ત કરી છે અને મ્યાન્મારની સેનાને કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જૈન સાકીએ કહ્યું કે બર્માની સેનાએ સ્ટેટ કાઉન્સિંલગ આંગ સાન સૂ કી અને અન્ય નાગરિક અધિકારીઓની ધરપકડ સહિત દેશના લોકતાંત્રિક સંક્રમણને ઓછું કરવા માટે પગલાં લીધા છે.

(સંકેત)