Site icon Revoi.in

હવે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ અમેરિકામાં નહીં રહી શકે, સંસદના નીચલા ગૃહમાં રજૂ કરાયું આ બિલ

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં રહીને અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક આંચકા સમાન સમાચાર છે. અમેરિકન સાંસદોના એક ગ્રૂપે અમેરિકન સંસદની નીચલા ગૃહમાં એક મહત્વનું બિલ રજૂ કર્યું હતું. એ બિલમાં સ્ટડી પછી પણ અમેરિકામાં વસવાટ કરતા વિદ્યાર્થીઓને સ્ટડી પછી ફરજીયાત વિદેશ જવાની જોગવાઇ છે. આ બિલ જો પસાર થશે તો તેનાથી ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ અર્થે જતા હજારો ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ પ્રભાવિત થશે.

અમેરિકન સંસદના નીચલા ગૃહમાં અમેરિકન સાંસદ પૌલ એ ગોસર, મો બ્રૂક્સ, એન્ડી બિગ્સ અને મેટ ગેટ્સઝે આ બિલ રજૂ કર્યું હતું. એ બિલમાં અભ્યાસ પછી અમેરિકામાં રોકાઇ જતાં વિદ્યાર્થીઓને ફરજીયાત સ્વદેશ પરત ફરવાની જોગવાઇનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અર્થાત્ અભ્યાસ પછી વિદેશી વિદ્યાર્થીઓ કામચલાઉ ધોરણે અમેરિકામં રહી શકશે નહીં.

ફેરનેસ ફોર હાઈ સ્કિલ્ડ અમેરિકન્સ એક્ટ નામના આ બિલમાં માગણી મૂકવામાં આવી છે કે સ્ટડી પૂરું થાય કે તરત જ વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવામાં આવે તેવી જોગવાઈ થાય તે જરૃરી છે. અત્યારે સ્ટડી પછી પણ વિદેશી વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સુધી અમેરિકામાં રહી શકે તેવો ખાસ પ્રોગ્રામ ચાલતો હોવાથી અસંખ્ય અમેરિકન નાગરિકોને નોકરી મળતી નથી.

અમેરિકામાં ઓપ્શનલ પ્રેક્ટિસ ટ્રેનિંગનો પ્રોગ્રામ ચાલતો હોવાથી એ અંતર્ગત સ્ટડી પછી પણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસના ભાગરૃપે અમેરિકામાં રહી શકે છે. અમેરિકન સાંસદ પૌલ એ ગોસરે કહ્યું હતું કે આ પ્રોગ્રામ અમેરિકાના નાગરિકોને નુકસાન કરે છે. તેમને નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે અને તેના બદલે વિદેશી વિદ્યાર્થીઓને નોકરીનું પ્રોત્સાહન મળે છે. અગાઉ પણ ગોસરે આ પ્રોગ્રામ બંધ કરવાની જોગવાઈ કરતું બિલ રજૂ કર્યું હતું, પરંતુ એ બિલ પસાર થયું ન હતું.

અમેરિકન સાંસદોએ બિલ રજૂ કરતી વખતે કહ્યું હતું કે ઓછામાં ઓછાં એક લાખ વિદેશી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી અમેરિકામાં ત્રણ વર્ષ રોકાઈને કામની પરવાનગી મેળવી લે છે.