Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડ એ કોરોનાને આપી મ્હાત, 100 દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી

Social Share

– સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો હાહાકાર
– જો કે ન્યૂઝીલેન્ડએ કોરોનાને આપી મ્હાત
– ન્યૂઝીલેન્ડનું દ્રષ્ટાંત અન્ય દેશો માટે પ્રેરણાદાયક

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અમેરિકા, બ્રાઝિલ, ભારત જેવા દેશોમાં કોરોનાનું સંક્રમણ સ્ફોટક ગતિએ આગળ વધી રહ્યું છે. જો કે આ વચ્ચે પણ ન્યૂઝીલેન્ડ જેવો દેશો કોરોના જેવી જીવલેણ મહામારીને મ્હાત કરવામાં સફળ રહ્યો છે. ન્યૂઝીલેન્ડ એ અન્ય દેશોને પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસમાં ઘરેલૂ સ્તરે કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. ન્યૂઝીલેન્ડમાં માર્ચના અંતમાં લોકડાઉનની સાથોસાથ કોરોના સંક્રમણને કાબૂમાં રાખવા માટે અનેક કડકાઇપૂર્વકના પગલાં લેવામાં આવ્યા હતા. લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર દેશમાં કોરોનાના માત્ર 100 કેસ હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે દેશમાં ઘરેલૂ સ્તરે સંક્રમણનો એક પણ કેસ સામે નહીં આવ્યાના 100 દિવસ પૂરા થયા હતા. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 3 માસમાં કોરોનાના કેટલાક કેસ સામે આવ્યા છે જો કે આ તમામ લોકો વિદેશથી પરત ફર્યા હતા. તેમને સરહદ પર જ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે જેથી કરીને સંક્રમણ ફેલાય નહીં. આ એક સારા વિજ્ઞાન અને શ્રેષ્ઠ રાજકીય નેતૃત્વનું પરિણામ છે.

કોરોનાના સંક્રમણને અંકુશમાં રાખીને તેને સંપૂર્ણપણે મ્હાત આપવા માટે લોકો ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડનની પ્રશંસા કરી રહ્યા છે. સમગ્ર વિશ્વ પણ તેમની પાસેથી પ્રેરણા લઇ રહ્યું છે. 50 લાખની વસતી ધરાવતા અને કુદરતના ખોળે વસેલા ન્યૂઝીલેન્ડમાં જનજીવન હવે ધીમે ધીમે થાળે પડી રહ્યું છે.

મહત્વનું છે, કોરોના સંક્રમણને મ્હાત આપવા માટે ન્યૂઝીલેન્ડ જેવા દેશ એ જે પણ પગલાં ભર્યા છે તે પગલાં જો અન્ય દેશો દ્વારા પણ લેવામાં આવે તો તેનાથી કોરોના સંક્રમણની મહામારીને કાબૂમાં રાખવા તેમજ તેને મ્હાત કરવામાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થઇ શકે છે. ન્યૂઝીલેન્ડ દ્વારા લેવાયેલા પગલાં ખરા અર્થમાં સરાહનીય છે.

(સંકેત)