Site icon Revoi.in

બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સ્ટ્રેન બન્યો બેકાબૂ, ભારતમાં પણ બોલાવાઇ ઇમર્જન્સી બેઠક

Social Share

લંડન: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બ્રિટનની રાજધાની લંડન સહિત પૂર્વ લંડનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર બેકાબૂ થઇ રહ્યો છે. લંડનની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખતા યુરોપ સહિતના વિશ્વના ઘણા દેશોએ બ્રિટનમાં જતી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન બ્રિટન ઉપરાંત ઇટલી, નેધરલેન્ડ, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ ફેલાયો છે. આ ગંભીર ખતરાને જોતા ભારત સરકારે પણ ઇમર્જન્સી બેઠક બોલાવી છે.

બ્રિટનમાં ઝડપથી ફેલાઇ રહેલો કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન અગાઉના વાયરસ કરતાં 70 ટકા વધારે ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારત સરકારને પણ ડર સતાવી રહ્યો છે કે આ વાયરસ દેશમાં આવ્યો તો ઝડપથી કોરોના વાયરસના કેસ વધી શકે છે.

ભારત સરકારના સૂત્રોનુસાર બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને તેના પર ચર્ચા માટે સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટરની અધ્યક્ષતામાં સોમવારે સંયુક્ત બેઠક થશે. ભારતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રતિનિધિ ડૉ. રોડરિકો એચ ઓફ્રિન પણ બેઠકમાં જોડાઇ શકે છે.

જણાવી દઇએ કે અગાઉ બ્રિટનની સરકાર દ્વારા વાયરસના નવો પ્રકાર નિયંત્રણની બહાર હોવાની ચેતવણી આપ્યા બાદ યુરોપિયન દેશો દ્વારા બ્રિટન જતી ફ્લાઇટ અટકાવી દેવામાં આવી છે. જ્યારે બ્રિટન પણ રવિવારથી સખત લોકડાઉન કર્યું છે. માનવામાં આવે છે કે કોરોના વાયરસનો નવો પ્રકાર બ્રિટનમાં સંક્રમણને ઝડપથી ફેલાવવામાં મદદરૂપ બને છે.

નોંધનીય છે કે, વાયરસને ધ્યાનમાં રાખીને યુરોપના દેશોએ ફ્લાઈટ સેવા અટકાવી દીધી છે, જ્યારે બેલ્જિયમે બ્રિટનને જોડતી રેલવે સેવા પણ અટકાવી દીધી છે. જર્મનીના અધિકારીઓએ જણાવ્યું કે બ્રિટનથી આવનારા વિમાનને લઈને ગંભીર વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

(સંકેત)