Site icon Revoi.in

ભાગેડુ મેહુલ ચોક્સીનું નવું નિવેદન, હું ભારત આવવા વિચારી રહ્યો હતો પરંતુ હવે એન્ટિગુઆ રહેવું પડશે

Social Share

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં હવે વધુ વિલંબ થઇ શકે છે.

હકીકતમાં, ડોમિનિકા કોર્ટે મેહુલ ચોક્સીને તાજેતરમાં જ જામીન આપ્યા છે. તેને મેડિકલ આધાર પર સારવાર માટે એન્ટિગુઆ જવાની મંજૂરી આપવામાં આવી છે.

મેહુલ ચોક્સીએ કહ્યું હતું કે, હું મારી નિર્દોષતા સાબિત કરવા ભારત આવવા વિચારી રહ્યો હતો. હું સ્વસ્થ થયા બાદ તરત ભારત આવવા વિચારતો હતો. ડોમિનિકા કોર્ટે હવે કહ્યું છે કે, મારે એન્ટિગુઆ જ રહેવું. હું હવે બહાર નથી જઇ શકતો. મારા અપહરણના 50 દિવસ મારા જીવનના સૌથી કાળા દિવસો રહ્યા છે. ભારતમાં મારી સુરક્ષાને લઇને મને ખૂબ જ શંકા છે.

આપને જણાવી દઇએ કે ગત 25 મેના રોજ એન્ટિગુઆથી લાપતા થયેલા ચોક્સીની ડોમિનિકન અધિકારીઓએ કથિત રીતે દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. જો કે મેહુલ ચોક્સી દ્વારા સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનું અપહરણ કરવામાં આવેલું અને પછી પ્રતાડિત કરવામાં આવેલા હતા.

થોડા સમય પહેલા જ ચોક્સીએ એક ઓડિયો ટેપ બહાર પાડીને ભારતીય એજન્સીઓ પર અપહરણનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ પોતે ઘરે પાછો આવી ગયો છે પરંતુ આ યાતનાથી પોતાના મનોવિજ્ઞાન પર અને શારીરિક રીતે આત્મા પર હંમેશા માટે નિશાન પડી ગયા છે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ચોક્સી પર પીએનબીને 13,500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. તે ભારત છોડીને એન્ટીગુઆ ભાગી ગયો હતો અને લાંબો સમય ત્યાં રહ્યો હતો.