Site icon Revoi.in

હવે WHOમાં ફરીથી સામેલ થશે અમેરિકા, પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેને કરી જાહેરાત

Social Share

વોશિંગ્ટન: અમેરિકાની ચૂંટણીમાં વિજયી થયેલા પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેને એક અગત્યની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેમના 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ અમેરિકા ફરીથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)માં સામેલ થઇ જશે. બાઇડને ચીન પર નિશાન સાધતા કહ્યું હતું કે અમે એ ચોક્કસપણે નિશ્વિત કરીશું કે ચીન પોતાની હદમાં રહે પરંતુ કોરોના સંક્રમણથી લડવા માટે અમે WHOને સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ. ચીન પર શાબ્દિક પ્રહારો કરતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમને મનફાવે તેવું કામ નહીં કરવા દેવામાં આવે અને જો આવશ્યકતા હશે તો કઠોર પગલાં પણ ભરવામાં આવશે.

અગાઉ પણ ચૂંટણી કેમ્પેઇન દરમિયાન બાઇડન ચીનને લઇને આકરા નિવેદનો કરી ચૂક્યા છે. બાઇડને કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસને લઇ ચીન દ્વારા કરવામાં આવેલી અનિયમિતતાઓ માટે તેને સજા આપવા માંગે છે. આ સજામાં આર્થિક પ્રતિબંધ અને અનેક પ્રકારના ટેક્સ-ટેરિફ વૃદ્વિ સામેલ થવાની વાત કહેવામાં આવી હતી.

ગત એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા WHOથી છેડો ફાડી નાખ્યો હતો અને ફંડિંગ પણ બંધ કરી દીધું હતું. ટ્રમ્પે WHOમાંથી એક્ઝિટ કરતા આરોપ લગાવ્યો હતો કે WHO ખુલ્લેઆમ ચીનના પક્ષમાં કામ કરી રહ્યું છે. બાઇડને કહ્યું હતું કે તેઓ ચીનને સજા આપવા નથી માંગતા પરંતુ તેમણે સમજવું જોઇએ કે બીજા દેશોની જેમ નિયમ-કાયદાનું પાલન કરવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે બાઇડેન અગાઉ પેરિસ પર્યાવરણ સમજૂતિમાં પણ ફરીથી સામેલ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. બાઇડને ડેલાવેરમાં ગવર્નરોની સાથે એક બેઠક દરમિયાન કહ્યું હતું કે હાલ મહામારી સામેની લડાઇમાં WHOનો સાથ આપવો જરૂરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં સુધારાની જરૂર છે અને આપણે તેની અંદર રહીને જ કરીશું.

(સંકેત)