Site icon Revoi.in

USની ગુપ્તચર એજન્સીઓ કોરોના વાયરસની ઉત્પતિ અંગે 90 દિવસમાં કરશે તપાસ, બાઇડને આપ્યા નિર્દેશ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીની ઉત્પતિને લઇને હજુ પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ગુપ્તચર એજન્સીઓને કોવિડ-19 મહામારીના ઉદ્દગમ સ્થાનને શોધવા બમણો પ્રયાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. બાઇડને એજન્સીઓને 90 દિવસની અંદર વાયરસનું જન્મ સ્થાન શોધીને રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું.

જો બાઇડને કહ્યું હતું કે, કોરોના વાયરસ કોઇ સંક્રમિત જાનવરના માનવીય સંપર્કથી ફેલાયો છે કે કોઇ લેબ દુર્ઘટનાએ આ મહામારીને આકાર આપ્યો છે તે નિષ્કર્ષ શોધવાના સાક્ષીઓ પૂરતા નથી.

તેમણે અમેરિકી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓને સંશોધકોને મદદ કરવા નિર્દેશ આપ્યો હતો અને ચીનને આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ આપવા વિનંતી કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ સિદ્ધાંતનો ફરી અભ્યાસ કરી શકે છે જેમાં કોરોના વાયરસનું ઉત્પત્તિ સ્થાન ચીનની વુહાન લેબ માનવામાં આવે છે અને ત્યાંથી જ તે સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો.

નોંધનીય છે કે, વિશ્વમાં અત્યારસુધીમાં 16.85 કરોડ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારે 35.01 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક અહેવાલ અનુસાર ચીનમાં જ્યારે સૌથી પહેલી આ મહામારી ફેલાઇ હતી ત્યારે કોરોના વાયરસ માટે જાનવરોની વ્યાપક તપાસ પર ચીની ડેટાની અવગણના કરવામાં આવી હતી.