Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વધતો આતંક, કંદહાર એરપોર્ટ પર કર્યો રોકેટ હુમલો

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે. હવે અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, તાલિબાનીઓએ કંદહારને ઘેરી લીધું છે અને અફઘાન સુરક્ષા દળો સાથે હાલમાં શહેરમાં લડાઇ ચાલી રહી છે. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર ઓછામાં ઓછા ત્રણ રોકેટ ત્રાટક્યા હતા.

તાલિબાનોએ અફઘાનિસ્તાનના મોટા ભાગ પર કબજો મેળવવા માટે પોતાનું અભિયાન તેજ કર્યું છે. દેશના મોટા ભાગમાં અફઘાન સુરક્ષા દળો તેમજ તાલિબાન લડવૈયાઓ વચ્ચે યુદ્વ ચાલુ છે. કંદહાર એરપોર્ટના વડા મસૂદ પશ્તુને જણાવ્યું હતું કે, ગત રાત્રે એરપોર્ટ પર ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી બે રનવે પર પડ્યા હતા. આ કારણે એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે તાલિબાન લડવૈયાઓએ હેરત, લશ્કરગાહ અને કંદહારને ઘેરી લીધા છે. સપ્ટેમ્બર સુધીમાં વિદેશી દળોને હટાવવાની જાહેરાત બાદ તાલિબાને દેશના ગ્રામીણ વિસ્તારોમાં જબરદસ્ત પ્રગતિ કરી છે.

મહત્વનું છે કે, કંદહારના એક સાંસદે બીબીસીને કહ્યું કે કંદહાર તાલિબાનના હાથમાં જવાનો ખતરો છે. તાલિબાન લડવૈયાઓ અહીં દાખલ થયા છે અને સુરક્ષા દળો સાથે સતત યુદ્ધ લડી રહ્યા છે. યુદ્ધને કારણે અત્યાર સુધીમાં હજારો લોકો કંદહારથી વિસ્થાપિત થયા છે. આ લોકોએ પાકિસ્તાન, ઈરાન જેવા દેશોમાં આશરો લીધો છે. આ સિવાય કંધહારમાં માનવીય આપત્તિનો ખતરો પણ ઉભો થઈ રહ્યો છે.