Site icon Revoi.in

રશિયા: પુતિન પર આજીવન કોઇ કેસ ચાલી નહીં શકે, સંસદમાં નવું બિલ મુકાયું

Social Share

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટે રશિયાની સંસદમાં એક અસાધારણ બિલ પસાર થવા જઇ રહ્યું છે. રશિયાની સંસદમાં મુકાનારા બિલની જોગવાઇ પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિ પર આજીવન કોઇ પણ જાતનો કેસ ચાલી નહીં શકે. આના પરથી એ સ્પષ્ટ છે કે, આ બિલ પુતિનને લાભ આપવા માટે સંસદમાં મુકવામાં આવ્યું છે. રશિયાના બંને સદનમાં આ બિલ પસાર થયા બાદ ખુદ પુતિન આ બિલ પર પોતે હસ્તાક્ષર કરશે. રશિયાની સંસદના નિચલા સદને તેને મંજૂરી આપી પણ દીધી છે.

શું છે બિલની જોગવાઇ

બિલની જોગવાઇ વિશે વાત કરીએ તો રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના પરિવારજનોની પોલીસ પૂછપરછ કે તપાસ નહીં કરી શકે અને તેમની સંપત્તિ પણ જપ્ત નહીં કરી શકાય. પુતિન હાલમાં 68 વર્ષના છે. રાષ્ટ્રપતિ પદ પરની તેમની ચોથી ટર્મ વર્ષ 2024માં પૂરી થવાની છે. જો કે તાજેતરમાં થયેલા સુધારા અનુસાર તેઓ 6 વર્ષની એક એવી બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ રહી શકે છે. પુતિન વર્ષ 2000થી સત્તામાં છે.

મહત્વનું છે કે, નવા વિધેયકમાં અસાધારણ સ્થિતિમાં કરવામાં આવેલા ગંભીર અપવાદ અને રાજદ્રોહ જેવા કેસને અપવાદ ગણવામાં આવ્યા છે.

(સંકેત)