Site icon Revoi.in

સાઉદી અરબ વિશ્વનું પ્રથમ કાર-મુક્ત શહેર બનાવશે, આ પ્રકારની હશે ખાસિયતો

Social Share

દુબઇ: સાઉદી અરબ વિકાસની સતત હરણફાળ ભરી રહ્યું છે અને હવે સાઉદી અરબ કાર-ફ્રી સિટી બનાવવા જઇ રહ્યું છે. સાઉદી કુંવર મહમ્મદ બિન સલામાને આ જાહેરાત કરી હતી. આ શહેર 170 કિલોમીટર લાંબુ તેમજ પાતળી પટ્ટી જેવું હશે. શહેરમાં ક્યાંય કાર કે અન્ય વાહનો માટે રોડ નહીં હોય, પરંતુ ચાલકો માટે ફૂટપાથ હશે. એ રીતે ક્યાંય શેરી પણ નહીં હોય.

કાર નહીં હોય પરંતુ પરિવહન માટે એકથી વધુ પ્રકારના અવિરત ચાલનારા ઓટોમેટિક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા હશે. નિઓમ નામના આ પ્રોજેક્ટ માટે સાઉદી અરબે 500 અબજ ડોલરનું તોતિંગ બજેટ ફાળવ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની સગવડને જોતા ટ્રેન-મેટ્રો તેમજ અન્ય ઓટોમેટિક ટ્રાન્સપોર્ટમાંથી ઉતરીને વ્યક્તિ ચાલીને પોતાના ઘરે પહોંચી શકશે.

શહેરનો રસ્તો પણ 3 માળનો હશે. પહેલો માળ ફૂટપાથ તરીકે વપરાશે, તેની નીચેનો માળ સર્વિસ એરિયા અને તેની નીચેનો માળ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે વપરાશે. આ શહેરનું કાર્બન ઉત્પાદન શૂન્ય રાખવાનો સાઉદીનો ઈરાદો છે. આ પ્રોજેક્ટ દ્વારા 2030 સુધીમાં જ પોણા ચાર લાખ નોકરીઓ પણ સર્જાશે.

દસ લાખ સુધીની વસ્તીના આ શહેરમાં તમામ સુવિધાઓ એવી રીતે ઉભી કરાશે કે કોઈ પણ વ્યક્તિ પાંચ મીનિટ ચાલીને ત્યાં પહોંચી શકે, પછી એ સ્કૂલ હોય કે દવાખાનુ હોય. કોઈ વ્યક્તિએ ગમે તે સુવિધા મેળવવા મહત્તમ 20 મિનિટ વોકિંગ કરવું પડશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ શહેર

શહેર સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ હશે. શહેરની તમામ સુવિધાઓ અને નોકરીઓ 5-G ઇન્ટરનેટ સાથે જોડાયેલી હશે. એ માટે અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક સુવિધા વગેરેનો વ્યાપક ઉપયોગ થશે. દેશના ઉત્તર-પશ્ચિમ છેડે રાતા સમુદ્રના કાંઠે ખાલી પડેલી જમીનમાં આ પ્રોજેક્ટ 10000 ચોરસ માઈલમાં ફેલાશે.

(સંકેત)