Site icon Revoi.in

કોરોના મહામારી દરમિયાન સ્વિસ બેંકોમાં ભારતીયોની જમાપૂંજી વધીને 13 વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન કથળેલી આર્થિક સ્થિતિ છતાં પણ વર્ષ 2020માં ભારતીયોએ સ્વિસ બેંકોમાં મોટા પ્રમાણમાં પૈસા જમા કરાવ્યા છે. વર્ષ 2020માં સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓની જમાપૂંજી વધીને 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક્સ (20,700 કરોડ રૂપિયાથી વધુ) એ પહોંચી ગઇ છે. આ આંકડો વિતેલા 13 વર્ષનો સૌથી ઉંચો આંકડો છે.

સિક્યોરિટીઝ અને અન્ય વિકલ્પો દ્વારા હોલ્ડિંગ્સમાં તેજીને કારણે પણ ભારતીયો દ્વારા સ્વિસ બેંકોમાં જમાપૂંજી વધી છે. જો કે કસ્ટમર ડિપોઝિટમાં બીજા વર્ષે પણ સતત ઘટાડો નોંધાયો છે. આ માહિતી સ્વિત્ઝરલેન્ડના કેન્દ્રિય બેંક દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા વાર્ષિક અહેવાલથી સામે આવી હતી.

આ પહેલા સતત બે વર્ષ માટે ભારતીયો દ્વારા સ્વિસ બેન્કોમાં જમા રકમમાં ઘટાડો આવ્યો હતો. માહિતી મુજબ 2019ના અંતમાં સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓની ડિપોઝીટનો આંકડો 89.9 કરોડ ફ્રેન્ક્સ (6,625 કરોડ રુપિયા) હતો. સ્વિસ નેશનલ બેન્કના ડેટા પ્રમાણે આ પહેલા 2006માં સ્વિસ બેન્કોમાં ભારતીયોની ડિપોઝીટ આશરે 6.5 અબજ સ્વિસ ફ્રેન્ક્સ હતી. જે પછી 2011, 2013 અને 2017ના વર્ષોને છોડીને જમા રકમમાં ઘટાડો નોંધાયો હતો.

SNBના જણાવ્યા મુજબ 2020ના અંત સુધી સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓના કુલ 20,700 કરોડ રુપિયા જમા રકમમાં 4,000 કરોડ રુપિયાથી વધુ કસ્ટમર ડિપોઝીટ, 3100 કરોડ રુપિયાથી વધુ અન્ય બેન્કો દ્વારા, 16.5 કરોડ રુપિયા ટ્રસ્ટ દ્વારા અને 13500 કરોડ રુપિયા બોન્ડ દ્વારા આવ્યા.

આ સત્તાવાર આંકડા બેન્કોએ સ્વિસ નેશનલ બેન્કને રિપોર્ટમાં આપ્યા છે. જે સ્વિસ બેન્કોમાં ભારતીયોની કાળા નાણાંને દર્શાવતાં નથી. સ્વિસ નેશનલ બેન્ક મુજબ, સ્વિસ બેન્કોમાં ભારતીયોના જમા રુપિયાના મૂલ્યાંકનમાં વ્યક્તિઓ, બેન્કો અને એન્ટરપ્રાઇઝિસ તરફથી જમા સહિત સ્વિસ બેન્કોના ભારતીય ગ્રાહકોના તમામ પ્રકારના ફંડને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

Exit mobile version