Site icon Revoi.in

પાકિસ્તાનની નવી ચાલ: હવે આતંકી સંગઠનોને રાજકારણમાં આપી રહ્યું છે એન્ટ્રી

Social Share

નવી દિલ્હી: FATF દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. તેમ છતાં પણ પાકિસ્તાનની અવળચંડાઇ ચાલુની ચાલુ જ છે. હવે પાકિસ્તાન આતંકીઓને સીધા રાજકારણમાં પ્રવેશ આપવાની રણનીતિ બનાવી રહ્યું છે. એક અહેવાલ અનુસાર પાકિસ્તાન જે પણ મોટા આતંકી સંગઠનો છે તેને રાજકીય ઓળખ આપવા જઇ રહ્યું છે.

પાકિસ્તાન આ ચાલ રમીને આંતરરાષ્ટ્રીય સ્તરે આ આતંકી સંગઠનોને સારા દેખાડવાનો પ્રયાસ પણ કરશે. જેથી FATFના ગ્રે લિસ્ટમાંથી બચી શકાય. જ્યારે એફએટીએફએ માગણી કરી છે કે આવા આતંકી સંગઠનો અને આતંકીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠનો પર જો પાકિસ્તાને કાર્યવાહી ના કરી તો તેની સામે એફએટીએફ વધુ આકરા પગલા લઇ શકે છે.

2017માં જ મુંબઇ હુમલાના આરોપી હાફિઝ સઇદે જમાત ઉદ દાવા સંગઠનના પેટા સંગઠનો બનાવીને તેને રાજકીય પક્ષ જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે પણ પાકિસ્તાન સરકાર દ્વારા કોઇ જ કાર્યવાહી નહોતી કરવામાં આવી. હાફિઝે મિલ્લી મુસ્લિમ લીગનુ ગઠન કર્યું હતું.

જોકે જનતાએ તેને બહુ મત નહોતા આપ્યા કે ન તો તેનો કોઇ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો હતો. આવા સંગઠનો આતંકી પ્રવૃત્તિ કે વિચારધારાનો ત્યાગ કર્યા વગર જ સીધા રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે જેની માઠી અસર પાક.ના રાજકરણ અને લોકતંત્ર પર જોવા મળી શકે છે.