Site icon Revoi.in

ઇરાક-યુકેની વાયુસેનાએ ઇસ્લામિક સ્ટેટના અડ્ડાઓ પર વરસાવી મિસાઇલ

Social Share

નવી દિલ્હી: યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સે ઇરાકી વાયુસેના સાથે મળીને સંયુક્તપણે ઇસ્લામિક સ્ટેટના આતંકીઓના ખાત્મા માટે અભિયાન હાથ ધર્યું હતું. માર્ચ દરમિયાન ઇરાકના ઉત્તરી ભાગમાં આવેલા ISISના આતંકી કેમ્પો પર બોમ્બ અને મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો. બ્રિટિશ સરકારે હવે તેની માહિતી જાહેર કરી છે. ઇરાકના મુખ્મર પર્વતિય વિસ્તારમાં આઇસીસના મથકો હોવાની જાણ થયા બાદ આ લશ્કરી કાર્યવાહી કરાઇ હતી.

આ અંગે યુ.કે.ના સંરક્ષણ મંત્રી બેન વેલેસે કહ્યું હતું કે, આતંકીઓના ખાત્મા માટે ઇરાકી વાયુસેના સાથે મળીને સંયુક્ત ઑપરેશન હાથ ધરાયું હતું. આતંકીઓ પહાડી ગુફાઓમાં છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. માટે તેને પહોંચી વળવા બ્રિટને ટાયફૂન FGR4 લડાકૂ વિમાનો મોકલ્યા હતા. આ વિમાનોમાં ખાસ પ્રકારના સ્ટોર્મ શેડો મિસાઇલ ફિટ થયેલા હતા.

શહેરી કે રહેણાંક વિસ્તારમાં આ મિસાઈલનો પ્રયોગ કરવો ભારે જોખમી છે માટે બ્રિટિશ વાયુસેનાએ પ્રથમવાર પહાડી વિસ્તારમાં આતંકીઓ પર આ મિસાઈલ વાપર્યા હતા.

ટાર્ગેટ નક્કી કરતા પહેલા દિવસો સુધી જાસૂસી કરીને બાતમી એકઠી કરવામાં આવી હતી. હુમલા દરમિયાન બ્રિટિશ રોયલ એરફોર્સે ૪૩ પાવવે બોમ્બ તથા ૧૦ સ્ટોર્મ શેડો મિસાઈલ વાપર્યા હતા.

નોંધનીય છે કે સીરિયા-ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના 10 હજાર જેટલા આતંકીઓ છે. તેમને ખતમ કરવા માટે 82 દેશો સહમત થયા છે. તેમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. બ્રિટને જણાવ્યું હતું કે આવા આતંકીઓને ખતમ કરવા મિશન હાથ ધરાતા જ રહેશે.

(સંકેત)