Site icon Revoi.in

9/11 હુમલામાં સાઉદી સરકારની કોઇ સંડોવણી ન હતી: FBI

Social Share

નવી દિલ્હી: અમેરિકાની FBIએ વર્ષ 2001ની 11મી સપ્ટેમ્બરના રોજ અલ-કાયદા દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલાને લગતાં 16 પાનાના દસ્તાવેજને જાહેર કર્યા હતા અને તેમાં જણાવ્યું હતું કે, આ હુમલામાં સાઉદી અરેબિયા સરકારની કોઇ સંડોવણી નથી.

આતંકી હુમલામાં સાઉદી અરેબિયાના બે ત્રાસવાદીઓને જે લોકોએ સ્થાનિક સ્તરે તમામ પ્રકારની સહાય પૂરી પાડી હતી તે તમામ વિગતો આ દસ્તાવેજોમાં હતી. આ દસ્તાવેજમાં બે ત્રાસવાદીઓના સ્થાનિક લોકોના સંપર્કોને લગતી કેટલીક વિગતો હતી, પરંતુ આ સમગ્ર કાવતરામાં સાઉદી અરેબિયાની ક્યાંય સંડોવણી નહીં હોવાનું માલુમ પડ્યું છે.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો  બાઇડેને છેલ્લા કેટલાંય વર્ષોથી ધૂળ ખાતા કેટલાંક અત્યંત સંવેદનશીલ ગણાતા દસ્તાવેજોને જાહેક કરવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ એફબીઆઇએ ગઇકાલે એટલે કે આ ત્રાસવાદી હુમલાની 20મી વર્ષીના દિવસે આ દસ્તાવેજ જાહેર કર્યો હતો.

આપને જણાવી દઇએ કે આ હુમલામાં મૃત્યુ પામેલા કેટલાંક લોકોના સગાં-વ્હાલાએ ન્યૂયોર્કની કોર્ટમાં આક્ષેપ કર્યા છે કે આ આતંકી હુમલામાં સાઉદી અરેબિયાની કોન્સ્યુલેટ કચેરીના એક વરિષ્ઠ અધિકારીએ સાઉદી અરેબિયાના આતંકીઓને ઘણી સહાય કરી હતી. આ લોકો છેલ્લા ઘણા સમયથી પ્રમુખ બાઇડેન પર દબાણ કરી રહ્યા હતા કે સરકારે હુમલાને લગતા દસ્તાવેજો જાહેર કરવા જોઇએ.

બીજી બાજુ સાઉદી અરેબિયાની સરકારે પણ છેલ્લા કેટલાંય વર્ષોથી આ હુમલામાં તેની કોઇ સંડોવણી હોવાનો ઇન્કાર કરી રહી હતી. સાઉદી અરેબિયાની વોશિંગ્ટન સ્થિત એમ્બેસી કચેરીએ બુધવારે કહ્યું હતું તે દસ્તાવેજો જાહેર કરાય તે બાબતને ટેકો આપે છે જેથી કરીને સાઉદી અરેબિયા ઉપર લાગી રહેલાં આરોપોનો કાયમ માટે અંત આવી જાય.