Site icon Revoi.in

ભારતીય પ્રોફેશનલ્સને રાહત, અમેરિકાની કોર્ટે એચ-1 બી વિઝાની ટ્રમ્પ વખતની દરખાસ્ત રદ્દ કરી

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં નોકરી કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર છે. અમેરિકાની ફેડરલ કોર્ટે એચ-1બી વિઝાની પસંદગી માટે વર્તમાન લોટરી સિસ્ટમના બદલે ટ્રમ્પ યુગની પગાર આધારિત પસંદગી પ્રક્રિયા લાગુ કરાવની સૂચિત દરખાસ્ત રદ કરી દીધી છે. કેલિફોર્નિયાના એક અદાલતે દરખાસ્ત રજૂ કરતી વખતે કાર્યવાહક હોમલેન્ડ સિક્યોરિટી સચિવ ચાડ વૂલ્ફ કાયદાકીય રૂપે તેમના પદ પર કામ કરતા નહોતા તેવા આધારે તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દરખાસ્તને નકારી કાઢી હતી.

આપને જણાવી દઇએ કે એચ-1બી વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓમાં કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે. ભારતના હજારો પ્રોફેશનલ્સ આ વિઝા પર કામ કરવા માટે દર વર્ષે અમેરિકા જાય છે. અમેરિકામાં દર વર્ષે 65 હજાર એચ-1બી વિઝા આપવાની મર્યાદા નિશ્વિત છે.

આ સિવાય ૨૦ હજાર ઉચ્ચ ડિગ્રીવાળા પ્રોફેશનલ્સ માટે અનામત છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળના અંતિમ સમયમાં એચ-૧બી વિઝા અંગેની નીતિમાં ફેરફાર કર્યો હતો. તેમણે વર્તમાન લોટરી સિસ્ટમના બદલે પગાર આધારિત પસંદગી પ્રક્રિયા લાગુ કરવાની દરખાસ્ત કરી હતી. જોકે, તેમની આ દરખાસ્તનો ઘણો વિરોધ થયો હતો.

નોંધનીય છે કે, કેલિફોર્નિયાના ઉત્તરીય જિલ્લાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જેફ્રી એસ. વ્હાઈટે બુધવારે એચ-૧બી વિઝા અંગેની ટ્રમ્પ સરકારની સૂચિત દરખાસ્તને કોર્ટમાં પડકારતાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સની અરજી મંજૂર રાખી હતી. એચ-૧બી વિઝા માટેની વર્તમાન સિસ્ટમ મુજબ વહેલા તે પહેલાના ધોરણે અને લોટરીના મિશ્રણથી વિદેશી પ્રોફેશનલ્સની પસંદગી થાય છે.