Site icon Revoi.in

અમેરિકાના રિપોર્ટમાં ઘટસ્ફોટ: ચીનમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર છે આકરા પ્રતિબંધો, ધાર્મિક સ્વતંત્રતા છીનવાઇ

Social Share

નવી દિલ્હી: ચીનમાં ધાર્મિક સ્વતંત્રતાને લઇને અમેરિકાએ પોતાના એક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ચીનમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર આકરા પ્રતિબંધો છે. ચીન સરકાર અને પ્રશાસને ધાર્મિક સ્વતંત્રતા પર જોહુકમી કરી છે. તે ઉપરાંત અલગ અલગ ધર્મ સાથે સંકળાયેલા લોકોને ચીનની સત્તાધારી પાર્ટી દ્વારા ધમકીઓ મળી રહી છે.

ચીનમાં અનેક ધાર્મિક લોકોને ચીન પ્રશાસન દ્વારા ઢોર માર મરાયો તેમજ અનેક લોકોની હત્યા થઇ હોવાનો દાવો અમેરિકાના વર્ષ 2020ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં કરાયો છે. અનેક નિર્દોષ લોકોને ચીને ધરપકડ કરીને જેલમાં નાંખ્યા છે. જે લોકો શાંતિપૂર્ણ રીતે ધર્મને અનુસરી રહ્યા હતા તેઓ પર પણ દમન કરવામાં આવ્યું છે.

બાઇબલ-કુરાનના પ્રિન્ટિંગ પર પ્રતિબંધ

ચીન સરકારે ચીનમાં બાઇબલ તેમજ કુરાન જેવા ધાર્મિક ગ્રંથોના પ્રિન્ટિંગ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. તેના પ્રકાશન અટકાવવામાં આવ્યા છે. ચીને ઇસ્લામિક, ખ્રિસ્તી, બુદ્વિષ્ટ અને અન્ય ધાર્મિક સ્થળોને પણ બંધ કરાવી દીધા છે.

અહીંયા મુસ્લિમો લઘુમતીમાં આવે છે ત્યારે તે લોકોની ધરપકડ કરાઇ છે અને તેઓ વિરુદ્વ ખોટા કેસો ચલાવવામાં આવી રહ્યા છે. ચીનમાં સત્તાધારી પાર્ટી દ્વારા ફાલુન ગોંગ જેવી યોગ પ્રેક્ટિસ પર પણ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

(સંકેત)