Site icon Revoi.in

પાકિસ્તાનને ઝટકો, અમેરિકા હજુ પણ પાકિસ્તાનને નહીં કરે સંરક્ષણ સહાય

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનની આર્થિક હાલત તો કફોડી થઇ જ છે પરંતુ હવે અનેક દેશોએ પાકિસ્તાનને સહાય આપવાનું પણ બંધ કર્યું છે. હવે અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને કહ્યું છે કે, અમેરિકા તરફથી પાકિસ્તાનને અપાતી સહાય પર જે પ્રતિબંધ મુકાયો હતો તે ચાલુ રાખવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ આ નિર્ણય પર મહોર મારી છે.

અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ જ નીતિ રાખી છે જેને હવે બાઇડને અનુસરી છે. અગાઉ તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં પાકિસ્તાનને અપાતી તમામ પ્રકારની સુરક્ષા સહાય પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઇમાં પાકિસ્તાનની ભૂમિકા અને તેની પાસેથી મળી રહેલા સહયોગથી સંતુષ્ટ નથી.

દરમિયાન આજે પેન્ટાગોનના પ્રેસ સચિવ જોન કિર્બીએ એક પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાનને અમેરિકા તરફથી મળતી સુરક્ષા સહાય પર હાલમાં પણ પ્રતિબંધ ચાલુ જ છે. તેમાં આગળ જતા બદલાવ થશે કે કેમ તે અંગે હું કશું કહેવા માંગતો નથી.

કિર્બીને સવાલ કરવામાં આવ્યો હતો કે, રાષ્ટ્રપતિ જો બાઈડનની સરકારે આ મામલે અગાઉની સરકારની નીતિની સમીક્ષા કરી છે કે નહી?તેમાં કોઈ ફેરફાર કરાયો છે કે કેમ અને પાકિસ્તાની નેતૃત્વ સાથે આ મુદ્દે કોઈ ચર્ચા થઈ છે કે કેમ?તેના જવાબમાં કિર્બીએ કહ્યુ હતુ કે, આ પહેલા સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ બાજવા સાથે વાતચીત કરી હતી. બંને વચ્ચે સમાન હિત અને લક્ષ્યને લઈને વાત થઈ હતી.

આપને જણાવી દઇએ કે થોડાક દિવસ પહેલા જ અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જેક સુલિવને જિનીવા ખાતે પાકિસ્તાનના પોતાના સમકક્ષ મોઇદ યુસુફ સાથે મુલાકાત કરી હતી. જેમાં બંને પક્ષો વચ્ચે એકબીજા સાથેનો વ્યવહારિક સહયોગ વધારવા માટે ચર્ચા થઇ હતી.